ટીએમસીને આતંકવાદી સંગઠન જાહેર કરો’ જાણો કોણે કરી આ માગણી….
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુવેન્દુ અધિકારીએ શુક્રવારે પક્ષના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહાંના પરિસરમાંથી વિદેશી બનાવટની રિવોલ્વર સહિત અનેક હથિયારો અને દારૂગોળો મળી આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકારની ટીકા કરી હતી. તેમણે સંદેશખાલીમાં શાસક પક્ષને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ કરી હતી. વિપક્ષના બંગાળ વિધાનસભાના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે આવા શસ્ત્રો અને વિસ્ફોટકોનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે અને પાર્ટીના સુપ્રીમોએ શેખ જેવા આતંકવાદીઓને પ્રોત્સાહન આપ્યા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રાખવાની નૈતિક સત્તા ગુમાવી દીધી છે.
સંદેશખાલીમાં વિદેશી હથિયારો મળ્યા બાદ ભાજપે મમતા પર નિશાન સાધ્યું છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે સંદેશખાલીમાં મળેલા તમામ શસ્ત્રો વિદેશી છે. બંગાળમાં આરડીએક્સ જેવા વિસ્ફોટકો મળી રહ્યા છે અને તેનો ઉપયોગ ભયંકર રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં થઈ રહ્યો છે. આતંકવાદીઓ માટે આ રાજ્ય સ્વર્ગ સમાન છે. તેમણે કહ્યું હતું કે આ ઘટના માટે મમતા બેનરજી જવાબદાર છે અને તૃણમૂલ કોંગ્રેસને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ અને મમતા બેનરજીની ધરપકડ કરવી જોઈએ.
સંદેશખાલી મુદ્દે ભાજપ ટીએમસી પર સતત પ્રહારો કરી રહી છે. સંદેશખાલી હિંસા અને મહિલાઓની ઉત્પીડનના કિસ્સાઓ સામે આવ્યા બાદ ભાજપ બંગાળમાં કાયદાના શાસનના અંતની વાત કરી રહી છે. દરમિયાન સંદેશખાલીમાં વિદેશી હથિયારો મળી આવતા ભાજપે મમતા પર નિશાન સાધ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ શુક્રવારે કથિત રીતે ઉશ્કેરાયેલા ટોળા દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ પર જાન્યુઆરીમાં થયેલા હુમલાના સંદર્ભમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી અને ટીએમસીના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહાંની બે જગ્યાઓ પર સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. સીબીઆઈએ ત્રણ વિદેશી બનાવટની રિવોલ્વર, એક વિદેશી બનાવટની પિસ્તોલ, એક ભારતીય રિવોલ્વર, એક કોલ્ટ ઓફિશિયલ ઈસ્યુ પોલીસ રિવોલ્વર, એક દેશી બનાવટની પિસ્તોલ, 120 નાઈન એમએમની ગોળીઓ, .45 કેલિબરની 50 કારતૂસ, .380ના 50 કારતૂસ જપ્ત કર્યા છે.
ટીએમસીના નેતા કુણાલ ઘોષે જોકે સીબીઆઈના તારણો પર આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે સંદેશખાલી પરિસરમાં દારૂગોળો રોપવાનું વિપક્ષનું કાવતરું હોઈ શકે છે. દિલ્હીમાંથી મતદાનને પ્રભાવિત કરવા અને સંદેશખાલીના વાતાવરણને બળતું રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસે સતર્ક રહેવું જોઈએ,” એમ તેમણે X પરની એક પોસ્ટમાં ભાજપનું નામ લીધા વિના શાસક ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું.