નેશનલસ્પેશિયલ ફિચર્સ

જરૂરિયાતો અને સપનાઓ વચ્ચે પિસાતો મધ્યમવર્ગ: ક્રેડિટકાર્ડ અને ઈએમઆઈની જાળમાં ફસાઈ ગયો છે…

અહેવાલો અનુસાર માથાદીઠ દેવું વધી ગયું છે જાણો શું છે કારણો

નિરજ અને પાયલ શાહ બન્ને કામ કરે છે અને મહિનાનું 60-70 હજાર કમાઈ લે છે. પિતા દિલીપ અને માતા સુમતિએ એક સારું ઘર બનાવ્યું છે. એક જ દીકરો છે એટલે નિરજનું જ થવાનું છે, છતાં નિરજની ઈચ્છા છે કે પોતે પણ એક નાનકડું ઘર લઈ રોકાણ કરે, પણ કરવું કઈ રીતે? પગારનો થોડો ભાગ ઘરખર્ચમાં જાય છે અને બાકીનો મોજશોખ. મોજશોખ પોતાની ઈચ્છાથી પણ પૂરા થાય છે અને અમુક સોશિયલ પ્રેશરમાં. બર્થ ડે હોય તો હસબન્ડે શું ગિફ્ટ આપી તેનો જવાબ આપવા સોશિયલ મીડિયામાં પોસ્ટ તો મૂકવી પડે, સાથે કામ કરતા કપલ્સ વિક એન્ડ ટ્રીપના ફોટા મૂકે અને આપણે એક વર્ષમાં ચાર દિવસ પણ ફરવા ન જઈએ તે કેમ ચાલે? આ ઉપરાંત મોંઘા કપડા, એસેસરીઝ, કાર, સેલિબ્રેશન્સ વગેરે વગેરે…

આવું જ કંઈક મયૂર અને અદિતી સાથે થાય છે. બન્ને ભાઈ-બહેનના માતા-પિતા ઠીકઠાક છે. મન પડે ત્યારે ઓનલાઈન ફૂડ ઓર્ડર થઈ જાય છે, કોઈ સેલ દેખાઈ એટલે ઓનલાઈન વસ્તુઓ મંગાવી લે છે. અદિતી પાસે 27 જોડી ચપપ્લ છે તો મયૂર પાસે 42 ટિશર્ટ્સ. અત્યારે મજા નહીં કરીએ તો ક્યારે, તેવી તેમની દલીલ સામે માતા-પિતા મૌન થઈ જાય છે. તો ગામડે રહેતા ફારૂક અને નસીમને હંમેશાં ચિંતા થાય છે કે શહેરમાં રહેતા દીકરા-વહુના ખર્ચા આવા જ રહેશે તો આગળ જતા શું કરશે. હજુ તો સંતાનની જવાબદારી બાકી છે. પોતાના બુઢ્ઢાપામાં દીકરો કામ ન આવે તો કંઈ નહીં, પણ પોતાના ખર્ચા તો મેનેજ કરી લેશે કે નહીં?

આ પરિવારો કોણ છે અને ક્યાં રહે છે તે જાણવા-જણાવવાની જરૂર નથી. અમદાવાદમાં રહેતો પરીખ પરિવાર હોય કે પૂણેમાં રહેતો ગાડગીલ પરિવાર હોય કે કોલકાત્તામાં રહેતો ઘોષ પરિવાર કે પછી ગોવામાં રહેતાં સ્ટેલા લુઈસનો પરિવાર, ભારતના હજારો-લાખો મધ્યમવર્ગીય પરિવારના રોજબરોજના જીવનનો આ ભાગ છે. જરૂરિયાતો, ઈચ્છાઓ, આકાંક્ષાઓ, સપનાઓમાં મધ્યમવર્ગ એવો તો ફસાયો છે કે તેને બહાર કાઢવો મુશ્કેલ બની ગયો છે.

દેશની કુલ વસ્તીની 60 ટકા જેટલી વસ્તી મધ્યમવર્ગમાં આવે છે. જોકે સમસ્યા એ છે કે મધ્યમવર્ગની આમ તો કોઈ વ્યાખ્યા જ નથી. અમુક અર્થશાસ્ત્રીઓએ વાર્ષિક આવકના આધારે તેમને વર્ગીકૃત કર્યા છે. એક માપદંડ અનુસાર જે પરિવારની વાર્ષિક આવક રૂ. 5 લાખની 30 લાખ વચ્ચે હોય તે મધ્યમવર્ગીય પરિવાર કહેવાય. જોકે આ વિષય પર ઘણી દલીલો થઈ છે. આજના સમયમાં ઘણા કહે છે કે એ સમય દૂર નથી કે મેગાસિટીમાં રહેતો પરિવાર વર્ષે કરોડની આવક ધરાવતો હશે તો પણ મધ્યમવર્ગીય જ કહેવાશે. આનું કારણ એ છે કે જીવનધોરણ જ એટલું ઊચું જઈ રહ્યું છે કે સારી આવકવાળા પરિવારો પણ એક પ્રકારની આર્થિક ભીંસ અથવા અસુરક્ષા અનુભવી રહ્યા છે. આજે આ વિષય પર વાત કરવાની જરૂર પડી રહી છે કારણ કે અમુક ચિંતાજનક વિગતો બહાર આવી રહી છે, જે માત્ર મધ્યમવર્ગ માટે જ નહીં દેશના અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી સમાન છે.

શું છે આ અહેવાલ જેણે ચિંતા જગાવી છે?
એક વાયરલ પોસ્ટમાં, મુંબઈ સ્થિત ડેટા સાયન્ટિસ્ટ મોનિશ ગોસર અને પેપલકોના સીઈઓ આશિષ સિંઘલે એક સત્ય ઉજાગર કરતા કહ્યું છે કે સિસ્ટમે આપણને ફસાવ્યા નથી, પરંતુ આપણે ખુદ એમા ફસાઈ રહ્યા છીએ. હાઈ-એન્ડ ફોનથી લઈને ₹10 લાખની કાર સુધી, આપણા ખર્ચના નિર્ણયો હવે જરૂરિયાત દ્વારા નહીં, પરંતુ સોશિયલ સ્ટેટસના દબાણ હેઠળ લેવામાં આવે છે. દેવાના આંકડા પર એક નજર કરો તો તે ખુબ જ ચોંકાવનારા છે. ક્રેડિટ કાર્ડ દેવું વધીને ₹2.92 લાખ કરોડ થયું છે. ચાર વર્ષમાં વ્યક્તિગત લોનમાં 75%નો વધારો થયો છે. દરમિયાન, મધ્યમ વર્ગના 90% લોકોની આવક વૃદ્ધિ 0.4% ના નજીવા CAGR પર સ્થિર થઈ ગઈ છે. આપણે સારું જીવી નથી રહ્યા, જીવવાનો ડોળ કરી રહ્યા છીએ. બસ માત્ર ને માત્ર દેખાડો આનું પરિણામ એ આવી રહ્યું છે કે પરિવારદીઠ અને વ્યક્તિદીઠ દેવામાં વધારો થઈ રહ્યો છે, બચત ઓછી થઈ રહી છે અને જરૂર પડે ત્યારે આરોગ્ય કે શિક્ષણમાં ખર્ચ કરવાનું પણ પરવડે નહીં તેવી સ્થિતિમાં આપણે મૂકાઈ ગયા છીએ.

બીજી બાજુ દેશના જાણીતા રોકાણકાર સૌરભ મુખર્જીએ ચેતવણી આપી હતી કે ભારતના 5-10% મધ્યમ વર્ગ પહેલેથી દેવાના ચક્રમાં ફસાઈ ગયો છે. સફળ અને સુખી કે સાધન સપન્ન થવા કરતા દેખાવું મહત્વનું બની ગયું છે. બીજી બાજુ એ આઈ અને અન્ય કારણોને લીધે રોજગારીની તકો ઓછી થઈ રહી છે. આ એક ફુગ્ગો છે જે ટૂંક સમયમાં ફૂટી જશે. બન્નેએ મધ્યમવર્ગ કઈ રીતે દેવાના કૂવામાં પડી રહ્યો છે અને બચત કરતો બંધ થયો છે તેના પર પ્રકાશ પાડ્યો છે.

રિઝર્વ બેંકના આંકડા પણ ચોંકાવનારા અને ચેતવનારા
બે મહિના પહેલા જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફાયનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે દેશનું માથાદીઠ દેવું વર્ષ 2025માં વધીને રૂ. 4.8 લાખ થયું છે, જે વર્ષ 2023 સુધી રૂ. 3.9 લાખ હતું. બે વર્ષમાં થયેલા આ વધારાની આરબીઆઈએ પણ ખાસ નોંધ લીધી છે. આ દેવું વધવાનું સૌથી મોટું કારણ આરબીઆઈ અનુસાર હાઉસિંગ લૉન છે, પરંતુ છેલ્લા વર્ષોમાં નૉન-હાઉસિંગ લૉનમાં ઘોડાવેગે વધારો થઈ રહ્યો છે, જેમાં ઓટોમોબાઈલ્સ અને વ્હાઈટ ગૂડ્સનો સમાવેશ થાય છે. વ્હાઈટ ગૂડમાં ઈલેક્ટ્રિકલ આઈટમ્સ સહિતની વસ્તુઓ આવે છે. આ લૉન લેનારાઓની સંખ્યા હાઉસિંગ કે એગ્રીકલ્ચર લૉન લેનારાઓ કરતા ઘણી ઝડપથી વધી રહી હોવાનું પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

મધ્યમવર્ગને મોંઘવારીનો માર
રાજકીય રીતે ગમે તેટલું ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવે, એ હકીકતથી આંખ મિચી શકાય તેમ નથી કે દેશનો એક મોટોવર્ગ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે મોંઘવારીનો માર સતત સહન કરી રહ્યો છે. અર્થશાસ્ત્રીઓ આંકડાઓ બતાવી સારા કે નરસા પાસા બતાવે પરંતુ અનાજ-દાળ, તેલ મસાલા, શિક્ષણ, આરોગ્ય અને પરિવહનમાં મધ્યમવર્ગ આખો ખાલી થઈ ગયો છે, તે હકીકત છે. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સ્વીકાર્યું છે કે ગરીબ વધારે ગરીબ અને શ્રીમંત વધારે શ્રીમંત બની રહ્યા છે. ઈચ્છાઓ ન સંતોષાય, પરંતુ જીવન જરૂરિયાતો જ ન સંતોષાય તેવી સ્થિતિ હજારો પરિવારની છે. પરિવારમાં જો વૃદ્ધો હોય તો આરોગ્ય અને બાળકો હોય તો શિક્ષણ બન્ને અડધીથી વધુ આવક ખાઈ જાય છે.

બે ટંકના ખાવાના સાથે સમાજિક વ્યવહારો અને આકસ્મિક ખર્ચાઓ મધ્યમવર્ગીય જીવન દોજખ બનાવી રહ્યા છે. મધ્યમવર્ગ પર સામાજિક દબાણ પણ હંમેશાં રહે છે. અબજોપતિ બાપ જો દીકરી કે દીકરાના લગ્ન સાદાઈથી કરે તો વાહવાહી થાય છે, ઉદાહરણ અપાય છે, ગરીબ બાપ ગરીબીના કારણથી નથી કરતો તે ચાલી જાય છે, પરંતુ મધ્યમવર્ગીય બાપ પોષાય કે ન પોષાય, લૉન લઈ, દેવું કરીને પણ સામાજિક નીતિનિયમોના નામે ઘસાયા વિના રહી શકતો નથી.

આ કારણો પણ એટલા જ જવાબદાર
પણ માત્ર જરૂરિયાતોને લીધે જ દેવું વધ્યું છે અને બચત ઘટી છે તેમ છે? ના. તમારો વૉર્ડરોબ ખોલીને જોશો તો એવી ઘણી વસ્તુઓ મળશે જે તમારી પાસે છે એ તમને યાદ પણ નથી. વાપર્યા વિનાના પડ્યા રહ્યા હોય તેવા ક્રોકરી સેટ્સ કે કોસ્ટમેટિક્સ પણ દરેક ઘરમાં મળશે.

ઈન્સ્ટાગ્રામ સક્રોલ કરો અને કોઈક પોસ્ટ સારી દેખાય કે વસ્તુઓ આકર્ષક દેખાય એટલે ઓર્ડર કરવાની ટેવ નહીં, બીમારી લાખો લોકોને છે. આમાં માત્ર યુવાનો જ નહીં, પુખ્ત વયના પણ સામેલ છે. તો સેંકડો ઘરોમાં સાત-આઠ વર્ષનું બાળક કે 65-70 વર્ષના દાદા-દાદી પણ ઓનલાઈન શૉપિંગ કરે છે અને એ પણ જરૂરિયાત વિના. મિડલ ક્લાસ આજકાલ ક્રેડિટકાર્ડ પર જીવતો થઈ ગયો છે. તેમનું બજેટ ઘરની જરૂરિયાતો અને આવક અનુસાર નહીં પણ ઈન્સ્ટા કે ફેસબુકની પોસ્ટ મેનેજ કરી રહ્યા છે. બેંકલોન મળે છે, બેંકમાંથી રોજ તમને ક્રેડિટ કાર્ડની ઓફર કરવામાં આવે છે અને સાથે ઓફર્સની ભરમાર. દરેક ઑનલાઈન શૉપિંગ એપ તમને નવી નવી ઓફરના એલર્ટ્સ મોકલે છે. ફિલ્મની ટિકિટ બુક કરો કે સાથે જ મેનૂ પોપ અપ થાય છે અને કોમ્બો ઓફરના નામે તમારા એકાઉન્ટમાંથી 1000-2000 તો ક્યારે ઉપડી જાય તે તમને ખબર પડતી નથી.

એક સમયે માત્ર તમારા કઝિન્સ કે ફ્રેન્ડ્સ પાસે કોઈ વસ્તુ હોય અને તમારી પાસે ન હોય તો તમને લેવાની ઈચ્છા જાગતી હતી, પરંતુ હવે તો સાત સમંદર પાર કોઈ ઈન્સ્ટાપોસ્ટમાં પોતાની લેવિશ લાઈફસ્ટાઈલનો વીડિયો પોસ્ટ કરે અને તમારી અંદર હીન ભાવના જાગી ઊઠે છે કે મારી પાસે આ બધુ ક્યારે આવશે. મિડલ ક્લાસ હંમેશાંથી જરૂરિયાતો અને ઈચ્છાઓ વચ્ચે સંતાકૂકડી રમતો હોય છે, પરંતુ હવે તેમનામાં ‘આઈ ડિઝર્વનો અટીટ્યૂડ’ આવ્યો છે. ફિલ્મો સહિતનું કન્ટેન્ટ પણ તેમને આ ઘોડારેસમાં સામેલ કરે છે. કોઈ પરિવાર ઈચ્છે તો પણ સોશિયલ પ્રેશર જ એટલું છે કે નછૂટકે આ રેસમાં દોડવું પડે છે. છ વર્ષનો છોકરો બર્થ ડે પાર્ટી માટે ચાર દિવસ રડે તો મા-બાપ શું કરવાના, તો 17 વર્ષની દીકરી ફ્રેન્ડ્સ સાથે ટુ નાઈટ્સ આઉટની જીદ પકડે ત્યારે મા-બાપ શું કરે. ત્યાં ક્યાંક પુખ્તવયના દીકરા-દીકરી ડેસ્ટિનેશન વેડિંગની ઈચ્છા બતાવે, તો 50 વટાવી ચૂકેલા કપલને પણ એમ થાય કે પગ ચાલે છે ત્યાં સુધી પ્રવાસની મજા માણી લઈએ. આ બધી ઈચ્છાઓ સામે આવક તો સામાન્ય વધે. એટલે કાં તો લોન લેવાય અથવા બચતમાંથી ખર્ચાય. આ દેવાનો બોજ જ્યારે રાતની ઊંઘ હરામ કરે અને દરવાજે ઉઘરાણીની દસ્તક વાગે કે મોટો આકસ્મિક ખર્ચ આવે ત્યારે સમજાય કે ચાદરને એટલી તાણી છે કે હવે થિંગડા મારવાનું પણ શક્ય નહીં બને.

માત્ર આર્થિક નહીં સામાજિક સ્વાસ્થ્ય પણ બગડયું
કોરોનાકાળ દરમિયાન એક ઓડિયોક્લિપ વાયરલ થઈ હતી. સગાઈ બાદ ધ્રુવિલ નામના એક યુવાને તેની ફિયોન્સે હીનાને રેડમીનો ફોન ગિફ્ટ કર્યો હતો. હિનાની મોટી બહેને ધુવિલના પિતાને ફોન કરી આ મામલે ફરિયાદ કરી હતી અને રેડમીનો ફોન આપીને હિનાનું સ્ટેટ્સ ઓછું કરી નાખ્યું અને યુવાને આઈ ફોન ગિફ્ટ કરવો જોઈએ તેવી વાત કરી હતી. આ એક કિસ્સો નથી. પોતાની પાસે હાઈફાઈ ફોન ન હોવાથી, અમુક ઉંમરે બાઈક ન હોવાથી કે લેવિશ લાઈફસ્ટાઈલ ન જીવી શકતા હોવાની હતાશામાં એક મોટો યુવાવર્ગ ગરકાવ થઈ ગયો છે, ગુનાખોરી તરફ વળ્યો છે અને જીવનમાં દિશાહીન થઈ ગયો છે. પતિ-પત્નીના ઝગડામાં પણ ત્રેવડ કરતા વધારે ખર્ચ અથવા તો ખોટો ખર્ચ, દેખાડો જવાબદાર બની રહ્યો છે. દીકરીને સોનું આપવાની સાથે એક્સેપેન્સિવ ગેજેટ્સ, ઈન્ટરનેશનલ ટ્રીપ્સની ટિક્ટ્સ જમાઈઓ-સાસરીયાઓ માગતા થઈ ગયા છે.

સોસાયટીમાં ગણપતિ બેસાડવાના કાર્યક્રમથી માંડી સ્કૂલના એન્યુઅલ ફંકશન માટે પૈસા અને ખર્ચ સામાન્ય બની ગયો છે. સાથે મળીને ગીતો ગાવાના આનંદ કરતા ડીજે બોલાવવાનો, ડ્રેસકોડના નામે ખર્ચ કરવાના, સાથે મળીને સમોસા કે પાણીપૂરી ન ખાતા 500-1000ની ડીશ રાખવાની. તમને પોષાય કે ન પોષાય આ બધામાં લૂંટાવાનું અથવા તો પછી અન-સોશિયલનો ટેગ લઈને તમારે અને તમારા સંતાનોએ ફરવાનું. દેશમાં ગુનાખોરી અને આત્મહત્યાના કેસોમાં પણ આર્થિક ભીંસ મહત્વનું કારણ છે. ઘર-પરિવારની વધતી ઈચ્છાઓ અને આવક વચ્ચે સમતુલા ન જળવાતા કેટલાય યુવાનવયે મોત વ્હાલુ કરે છે. એક મોટો વર્ગ મોટી ઉંમરે પરણવાનું પસંદ કરે છે, કારણ કે પહેલા આર્થિક રીતે સમૃદ્ધ થવું મહત્વનું છે, તો એક વર્ગ પરણવા કે બાળકો-પરિવારની જવાબદારી લેવા જ તૈયાર નથી કારણ કે તેમને આ બોજ જીવનભર ઉપાડવો નથી.

એક સમયે મધ્યમવર્ગ ઓછા ખર્ચમાં વધારે મજા કરવા માટે, પોતાના નૈતિક ધોરણો જાળવી રાખવા માટે, ઈમાનદારી અને સાદગી માટે વખણાતો. ફિલ્મોથી માંડી વાર્તાઓ, ટીવી સિરિયલોમાં શ્રીમંતોને આવું જીવન જીવવાની પ્રેરણા આપતો બતાવવામાં આવતો, પરંતુ આજે સાદા સીધા પરિવાર કે છોકરા-છોકરીઓને નોન-સ્માર્ટ માનવામાં આવે છે અને સ્માર્ટ બનવાની હોડમાં મધ્યમવર્ગ સબોગેટ થઈ રહ્યો છે, આર્થિક ભીંસ સાથે સામાજિક રીતે પણ અકળાઈ રહ્યો છે.

આ સાથે આપણે પર્યાવરણની પણ ઘોર ઉપેક્ષા કરી રહ્યા છીએ. દરેક વપરાતી વસ્તુ ફેંકાય છે, પણ ક્યાં? ધરતી તો એક જ છે ને? ઈલેક્ટ્રિક વેસ્ટથી માંડીને પ્લાસ્ટિક વેસ્ટ આપણા બધા માટે મોટો પડકાર બની ગયો છે. સરકારને પ્રદૂષણ માટે આપણે જવાબદાર ઠેરવી દઈએ છીએ, પણ આપણે ટનબંધ કચરો રોજ આ પૃથ્વી પર ઠાલવી પહાડો, જંગલો, નદીઓ, સમુદ્રો, હવા બધાને દુષિત કરી રહ્યા છે તેનું શું? પ્રકૃતિ આપણને આ પરત આપી રહી છે અને રોજ નવા રોગ-બીમારી, કુદરતી આફતો અને માનસિક સંતાપનો શિકાર આપણે બની રહ્યા છીએ અને દવા-દારૂ પાછળના ખર્ચમાં ખર્ચાઈ રહ્યા છીએ.

ભારત દેશના અર્થતંત્રની કરોડરજ્જુ મધ્યમવર્ગ છે. તે ખર્ચશે તો અર્થતંત્ર ચાલતું રહેશે. માર્કેટમાં પૈસો આવશે તો પૈસો ફરતો રહશે, પણ એ પૈસો લૉન કે ક્રેડિટ કાર્ડનો જ હશે કે બચતમાંથી ખર્ચાયેલો હશે તો સરવાળે તેની અસર અર્થતંત્રને પણ થશે ને? ગરીબવર્ગ સરકારી યોજનાનો થોડોઘણો લાભ મેળવી ચલાવી લેશે, શ્રીમંતવર્ગ પોતાનું ફોડી લેશે, મધ્યમવર્ગ ક્યાં જશે?
આ બધાનો ઉકેલ શોધવો ઘણો અઘરો છે, કારણ કે આ સમસ્યા ઊભી કરવામાં અમુક ભાગ આપણો પણ છે. મધ્યમવર્ગ સારું જીવન જીવે તે તેમનો હક છે. તેમને સપના જોવાનો અને તેને પૂરા કરવાનો પણ હક છે, પણ મધ્યમવર્ગે પોતાના સુખની વ્યાખ્યા પોતે બનાવવી પડશે. માત્ર મધ્યમવર્ગે જ નહીં દરેકે પોતાના ખિસ્સા અને ઈચ્છા પ્રમાણે જીવવાની રીત કેળવવી પડશે અને તેમને તેમ જીવવાનું વાતાવરણ સમાજ તરીકે આપણે પૂરું પાડવું પડશે. બીજાને દેખાડવા અને માત્ર સોશિયલ પ્રેશરમાં આવીને જીવન જીવવું પણ એક રીતે તો ગુલામી જ છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવું કરીને પણ ઘી પીઓ. લાગે છે આપણે આ કહેવતને સમજ્યા નથી. અહીં ઘી પીઓ એટલે કે સ્વસ્થ રહો અથવા તો પેટ ભરવા માટે દેવું કરવું પડે તો વાંધો નહીં, તેમ થતો હશે અથવા કરવો જોઈએ. પણ આ સાથે બીજી ઘણી કહેવતો છે, જેમકે જેટલી ચાદર હોય તેટલા પગ લાંબા કરવા, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, બીજાના મહેલ જોઈ આપણું ઝૂંપડુ ન બળાય વગેરે વગેરે. આ કહેવતોને આત્મસાત કરવાની વધારે જરૂર છે નહીંતર આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા નતીજા ઠનઠનગોપાલ જેવી સ્થિતિ થતા વાર નહીં લાગે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button