નેશનલ

લિબિયાનાં પૂરનો મરણાંક 11,000થી વધી ગયો

અસરગ્રસ્ત શહેરમાં ગુમ 10,000 લોકોની શોધખોળ

ડેરના (લિબિયા): લિબિયામાં પૂરને લીધે મરનારા લોકોની સંખ્યા વધીને 11,000 કરતાં વધુ થઇ છે, જ્યારે સત્તાવાળાઓ હજી લાપતા 10,000 લોકોની મોટા પાયે શોધખોળ કરી રહ્યા છે અને તેથી મરણાંક હજી ઘણો વધવાની ભીતિ છે.
આ ઉપરાંત, બચાવકાર્યકરો કાદવ અને કાટમાળ દૂર કરીને વધુ મૃતદેહો બહાર કાઢી શકે, તે માટે શહેરની બહારથી અન્ય સામાન્ય નાગરિકોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.
રોગચાળા અને પૂરને લીધે શહેરમાં અહીંતહીં વિખેરાયેલા વિસ્ફોટક પદાર્થોને લીધે પણ મરણાંક વધવાની ભીતિ છે.

ભૂમધ્ય સમુદ્ર પરથી ફૂંકાયેલા ડેનિયલ નામના વાવાઝોડા અને તેને પગલે આવેલા ભારે વરસાદને લીધે લિબિયામાં બે બંધ તૂટી ગયા હતા અને તેને લીધે બંધનું પાણી ખીણવિસ્તારમાં આવેલા ડેરના શહેરમાં ફરી વળ્યું હતું.

લિબિયામાં અચાનક આવેલા પૂર અને રાજકીય અંધાધૂંધીને લીધે મરણાંક ઘણો જ વધી ગયો છે. ખનિજ તેલથી સમૃદ્ધ લિબિયામાં 2014થી હરીફ સરકારોએ દેશનું પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં વિભાજન કરી નાખ્યું છે.
લિબિયામાં આવેલા પૂરમાં બચાવ અને સહાય કરવા માટે વિવિધ સરકારી એજન્સી કામ કરી રહી છે. આમ છતાં, શહેર સુધી પહોંચવાના અનેક પુલ પૂરમાં તણાઇ ગયા હોવાથી સરકારી અને અન્ય એજન્સીઓની સહાય પહોંચવામાં મોડું થઇ રહ્યું છે.
લિબિયાના પૂરગ્રસ્ત શહેરમાં કાદવ, મૃતદેહો, પૂરમાં તણાયેલા વાહનો ઠેરઠેર જોવા મળે છે. અનેક મૃતદેહને સામૂહિક કબરમાં જ દફનાવી દેવાયા હતા.

દરિયામાંથી હજી પણ ઘણાં મૃતદેહ મળી રહ્યા છે. પૂરને લીધે અમુક વિસ્તારમાં પાણી ઇમારતના ચોથા માળ સુધી પહોંચી ગયું હતું.

લિબિયામાં અનેક ઠેકાણે હજી પણ બીજા વિશ્વયુદ્ધ વખતના વિસ્ફોટકો મળી રહ્યા છે. આ ઉપરાંત, દેશમાં 2011થી 2021 સુધી ચાલેલા આંતરવિગ્રહમાં પણ વિસ્ફોટકોનો મોટા પાયે ઉપયોગ થયો હતો. આંતરવિગ્રહમાં નહિ વપરાયેલા વિસ્ફોટકો પૂરમાં તણાઇને ઘણી જગ્યાએ કાદવમાં દટાયા હોવાની શંકા છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button