ખાલિસ્તાની ત્રાસવાદી લખબીર સિંહ ‘રોડે’નું પાકિસ્તાનમાં મૃત્યુ
નવી દિલ્હી: ખાલિસ્તાની ભાગલાવાદી લખબીર સિંહ ઉર્ફે ‘રોડે’નું પાકિસ્તાનમાં હૃદયરોગના હુમલાથી મોત થયું હતું.
ભારતીય લશ્કર દ્વારા ૧૯૮૪માં હાથ ધરાયેલી કાર્યવાહીમાં જર્નલ સિંહ ભીંદરાણવાલે ઠાર મરાયો તે પછી લખબીર સિંહ ઉર્ફે ‘રોડે’એ પાકિસ્તાનમાં આશ્રય લીધો હતો.
મોગા જિલ્લાના રોડે ગામનો મૂળ રહેવાસી લખબીર સિંહ ઉર્ફે ‘રોડે’ને રાવલપિંડીની હૉસ્પિટલમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
લખબીર સિંહ ઉર્ફે ‘રોડે’ પ્રતિબંધિત ખાલિસ્તાન લિબરેશન ફ્રંટનો બની બેઠેલો વડો હતો. ભારત સરકારની વિનંતિને માન આપીને આંતરરાષ્ટ્રીય પોલીસે તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી.
લખબીર સિંહ ઉર્ફે ‘રોડે’ ભારતમાં, ખાસ કરીને પંજાબમાં ત્રાસવાદી પ્રવૃત્તિ માટે શસ્ત્રો અને વિસ્ફોટકો મોકલતો હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, અનેક રાજકીય નેતાઓને મારવામાં
કે તેઓ પરના હુમલામાં પણ લખબીર સિંહ ઉર્ફે ‘રોડે’નો હાથ હોવાનું મનાય છે.
લખબીર સિંહ ઉર્ફે ‘રોડે’ ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનું પણ નેતૃત્વ કરતો હતો અને તેણે યુકે, જર્મની, કેનેડા અને અમેરિકામાં ખાલિસ્તાનવાદી પ્રવૃત્તિ માટે ઑફિસ શરૂ કરી હતી. (એજન્સી)