Rajsthanમાં બોરવેલમાં ફસાયેલા બાળકનું મૃત્યુ: રેસ્ક્યૂ ટીમે 56 કલાક બાદ મૃતદેહને બહાર કાઢ્યો
જયપુર: રાજસ્થાનના દૌસા જિલ્લામાં ત્રણ દિવસ પહેલા બોરવેલમાં પડેલા 5 વર્ષના બાળક આર્યનને બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. આર્યનને બચાવવા માટે બોરવેલની નજીક ખોદવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ વહીવટીતંત્રે બચાવ કાર્યકરોને તેના શરીર પર હૂક જોડીને તેને બહાર કાઢવાની મંજૂરી આપી હતી. લગભગ 56 કલાક બાદ રેસ્ક્યુ ટીમે આર્યનને બોરવેલમાંથી બહાર કાઢ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.
રેસ્ક્યૂમાં અઢળક મુશ્કેલી
રાજસ્થાનના દૌસા જિલ્લાના કાલીખાડ ગામે સોમવારે રમતી વખતે 5 વર્ષનો બાળક આર્યન ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાદમાં જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમારે પોતે રેસ્ક્યૂ ઓપરેશનનો મોર્ચો સંભાળ્યો હતો. બાળકને બચાવવા માટે મોટી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ કામગીરી માટે NDRF, SDRF અને સિવિલ ડિફેન્સની ટીમોની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન રેસ્ક્યુ ટીમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તમામ પ્રયત્નો નિષ્ફળ
નોંધનીય છે કે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ આર્યનને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. બોરવેલથી થોડે દૂર પાઈલિંગ મશીનનો ઉપયોગ કરીને નવો ખાડો ખોદવામાં આવ્યો હતો.ત્યારબાદ એનડીઆરએફના જવાનોએ પીપી કીટ પહેરીને 150 ફૂટ નીચે ઉતારી. આર્યન સુધી પહોંચવા માટે સૈનિકોએ ખાડાથી બોરવેલ સુધી એક ટનલ બનાવી હતી
Also Read – સાયલા-પાળીયાદ હાઈવે પર ડમ્પરે અડફેટે 40 ઘેટાં બકરા સહિત માલધારીનું મૃત્યુ
પરિવારમાં માતમ
બચાવ ટીમે આર્યનને બહાર કાઢ્યો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસે આર્યનના મૃતદેહને દૌસા જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યો હતો. પાંચ વર્ષના બાળકના મૃત્યુથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ગામ કાલીખાડમાં પણ શોકનો માહોલ છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ આજે સવારે કરવામાં આવ્યું હતું.