સેનાની કઠિન કાર્યવાહી બાદ મળ્યા નવ મહિનાથી બરફ નીચે ફસાયેલ જવાનોના મૃતદેહ
નવી દિલ્હી: ભારતીય સેનાએ વેઠવી પડતી મુશ્કેલીઓ અને પડકારોને વાચા આપતી એક જ ઘટના હાલ ચર્ચામાં છે. ઓકટોબર 2023માં લદાખમાં 13,800 ફૂટથી પણ વધુની ઊંચાઈએ હિમસ્ખલનનો ભોગ બનેલા ત્રણ સૈનિકોના મૃતદેહને બહાર કાઢવામાં નવ મહિનાથી પણ વધુનો સમય લાગ્યો. સેનાના નિવૃત અધિકારી બ્રિગેડિયર હરદીપ સિંહ સોહીએ આટલા વિલંબ પાછળનું કારણ જણાવ્યું હતું.
તેમણે કરેલી ટ્વિટર પોસ્ટમાં ગુલમર્ગ સ્થિત હાઈ-એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ (HAWS) ના સૈનિકોનો મૃતદેહ મેળવવા બદલ આભાર માન્યો હતો અને સેનાની આ કામગીરીને લઈને અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આટલો સમય કેમ લાગ્યો. લગભગ નવ મહિના જેટલા મહિનાથી કોન્સ્ટેબલ રોહિત કુમાર, ઠાકુર બહાદુર આલે અને નાઈક ગૌતમ રાજવંશીના મૃતદેહ હિમસ્ખલન બાદ ઊંડી ખીણમાં ફસાયેલા પંડયા હતા. બરફના જાડા સ્તરો વચ્ચે આ મૃતદેહો ફસાયા હતા.
બ્રિગેડીયર સોહિએ પોસ્ટમાં કહ્યું લખ્યું હતું કે ‘તે કોઈ પોટલું નથી, તે મારો ભાઈ છે. ગયા વર્ષે ઓકટોબરમાં માઉન્ટ કુન પર કાર્યવાહી દરમિયાન ત્રણ હવાલદાર ટ્રેનર્સના મૃતદેહને બહાર કાઢવા માટે HAWS ગુલમર્ગને મોટી સલામ.” જો કે આ પોસ્ટને લઈને યુઝર્સે પૂછ્યું હતું કે છેલ્લા નવ મહિનાથી મૃતદેહો બરફમાં કેમ દટાયેલા છે? નિવૃત્ત સૈન્ય અધિકારીએ કહ્યું કે આ વખતે ટીમ જરૂરી સાધનસામગ્રી સાથે લઈ ગઈ હતી પરંતુ તેમ છતાં મૃતદેહોને બહાર કાઢવામાં નવ દિવસનો સમય લાગ્યો હતો.
યુઝર્સે કરેલા પ્રશ્નોને લઈને બ્રિગેડિયર સોહિએ કહ્યું હતું કે ઘણા લોકોએ પ્રશ્ન કર્યા હતા કે કેમ નવ નવ મહિના સુધી આ મૃતદેહોને બહાર કાઢવામાં ન આવ્યા ? હકીકત એ છે કે જ્યારે 8 ઓક્ટોબર, 2023 ના રોજ ચાર સૈનિકોની જાણ ન મળતા, ત્યારબાદ છ દિવસ સુધી ખોદકામ કર્યા બાદ માત્ર એક જ મૃતદેહ મળી આવ્યો હતો.” તેમણે કહ્યુ હતું કે ” આ વખતે ટીમે ચેનસો અને GREF ગ્રેડના પાવડા સાથે RECO રડારનો ઉપયોગ કર્યો અને નવ દિવસ પછી ખોદકામ બાદ બાકીના ત્રણ મૃતદેહોને શોધી કાઢવામાં આવ્યા હતા. મૃતદેહો બરફથી ઢંકાયેલ 70 ફૂટ ઊંડા ખાડા નીચે દટાયેલા હતા.”
જુલાઇ 2023માં HAWSની 38 સભ્યોની એક ટુકડી લદ્દાખમાં માઉંટ કુન પર ચઢાણ માટે નીકળી હતી. આ અભિયાન 1 ઓકટોબરના રોજ શરૂ થયેલું અને 13 ઓકટોબરના રોજ શિખર પર પહોંચવાનું નક્કી કરાયું હતું. જો કે આ દરમિયાન ખૂબ જ વિષમ ભૌગોલિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. બરફની દીવાલ પર જ દોરડાઓ લગાવતા સમયે અચાનક હિમસ્ખલન થતાં ચાર સદસ્યો ફસાયા હતા. બાદમાં સેના દ્વારા 18 જૂનના રોજ મૃતદેહોને બહાર કાઢવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.