‘બાળકો ઘરમાં એકલા હતા, અને DDAએ બુલડોઝર વડે ઘર તોડી પાડ્યું…’, રેટ હોલ માઇનરનું છલકાયું દર્દ
નવી દિલ્હીઃ ગયા વર્ષે ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 લોકોના જીવ બચાવનાર 12 રેટ હોલ માઇનર્સમાંથી એકનું ઘર બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું છે. રેટ હોલ માઇનરે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) પર દિલ્હીના ખજુરી ખાસની શ્રીરામ કોલોનીમાં બનેલા ઘરને તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે.
રેટ હોલ માઈનર વકીલ હસનનું કહેવું છે કે ડીડીએ પ્રશાસને કોઈ સૂચના આપ્યા વિના તેનું ઘર તોડી પાડ્યું છે.વકીલ હસને જણાવ્યું હતું કે આ ઘર તેણે 2013માં ખરીદ્યું હતું. ઘરની રજિસ્ટ્રી 1987ની છે. પરંતુ તેમ છતાં પ્રશાસને તેનું ઘર તોડી પાડ્યું હતું. આખી કોલોનીમાં ડીડીએએ માત્ર તેનું જ ઘર તોડ્યું છે. તેનું કારણ એ છે કે તેઓ વકીલ હસન પાસે સતત પૈસાની માંગણી કરતા હતા. વકીલ હસને એક વખત પૈસા ચૂકવી દીધા હતા, પણ હવે તેની પાસે પૈસા ન હતા. જેના કારણે તેનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર DDA જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. હસને કેન્દ્ર સરકાર અને ડીડીએને અપીલ કરી હતી કે જો સરકાર તેને સુરંગમાં ફસાયેલા 41 મજૂરોના જીવ બચાવવા માટે કોઈ ઈનામ આપવા ઈચ્છતી હોય તો સરકારે ડીડીએની જમીન પર બનેલા તેના ગેરકાયદેસર મકાનને તોડી ન નાખવું જોઈએ.
હસને જણાવ્યું હતું કે,’હું અને મારી પત્ની ઘરની બહાર ગયા હતા. મારા નાના બાળકો ઘરે એકલા હતા. ત્યારબાદ DDAએ બુલડોઝર વડે અમારા ઘરનો દરવાજો તોડી નાખ્યો. મારા બાળકોએ તેમને કહ્યું હતું કે પિતા આવે ત્યાં સુધી રાહ જુઓ, પરંતુ મારું આખું ઘર બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું.’
હસને કહ્યું હતું કે, ‘ મારી એકમાત્ર માંગ છે કે મારું ઘર મને આપવામાં આવે. જો મને મારું ઘર આપવામાં નહીં આવે તો હું ઉપવાસ પર ઉતરીશ.’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને ખબર છે કે તેમનું ઘર DDAની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું છે. તેના પર હસને કહ્યું હતું કે, ‘ અમારી આખી કોલોની ગેરકાયદેસર રીતે વસાવવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે માત્ર મારું જ ઘર કેમ તોડવામાં આવ્યું.’ તેણે કહ્યું હતું કે, ‘ મને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. મેં એક વખત ડીડીએને પૈસા આપી દીધા છે. આ સમગ્ર કાર્યવાહી બે વખત ચૂકવણી ન કરવાને કારણે કરવામાં આવી છે.
વકીલ હસને કહ્યું હતું કે મારું ઘર એક જ વસ્તુ હતું જે મેં ઈનામ તરીકે માંગ્યું હતું, પરંતુ ડીડીએ કોઈ સૂચના આપ્યા વિના મારું ઘર તોડી પાડ્યું. સરકારે મને ખાતરી આપી હતી કે મારા ઘરને સ્પર્શ કરવામાં આવશે નહીં, પરંતુ તેઓએ મારી રહેવાની જગ્યા છીનવી લીધી છે.
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)પોતાની સફાઇ આપતા જણાવ્યું હતું કે આ ઝુંબેશ એ જમીન પર ચલાવવામાં આવી હતી જે વિકાસની જમીનનો ભાગ હતી. પોલીસે જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ઘણા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. DDA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીએ DDA દ્વારા ખજુરી ખાસ ગામમાં તેની સંપાદિત જમીનમાંથી અતિક્રમણ દૂર કરવા માટે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ જમીન ડેવલપમેન્ટ માટેની જમીનનો ભાગ હતી.
નોંધનીય છે કે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી સિલ્ક્યારા ટનલમાં 12 નવેમ્બરે ભૂસ્ખલન થતાં મોટી દુર્ઘટના થઈ હતી. દિવાળીના દિવસે સવારે લગભગ 5.30 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. જે બાદ બ્રહ્મખાલ-યમુનોત્રી હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા-દંડલગાંવ ટનલનો એક ભાગ તૂટી પડતાં કામદારો ફસાઈ ગયા હતા. ત્યાર બાદ એર-કમ્પ્રેસ્ડ પાઈપો દ્વારા ફસાયેલા મજૂરોને ઓક્સિજન, વીજળી અને ખોરાક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
NDRF, SDRF, BRO, પ્રોજેક્ટ સંબંધિત એજન્સી NHIDCL અને ITBP સહિતની ઘણી એજન્સીઓ બચાવ કાર્યમાં જોડાઈ હતી, પરંતુ કોઈ એક્શન પ્લાન સફળ થયો નહોતો. ઘણી મહેનત બાદ રેટ હોલ માઈનર્સ ઉત્તરકાશી પહોંચ્યા અને 21 કલાકમાં હાથ વડે 10 થી 12 મીટર ખોદીને સુરંગમાં ફસાયેલા કામદારોને બહાર કાઢ્યા હતા.