હાઇપર ટેન્શન, બ્લડ પ્રેશર, કિડની સહિતની બિમારીઓ સામે ઝઝૂમી રહ્યો છે દાઉદ, કોણે કરી કબૂલાત?
ભારતના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો અંત હવે નજીકમાં હોવાના ભણકારા વાગી રહ્યા છે. તાજેતરમાં જ અફવા ઉડી હતી કે દાઉદ ઇબ્રાહિમને અમુક અજ્ઞાત લોકોએ ઝેર આપી દીધું છે. જેને પગલે તેમની હાલત બગડી ગઇ છે, અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. જો કે પાકિસ્તાની એજન્સીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી, ન તો ભારતમાંથી આ સમાચાર પર કોઇએ મહોર લગાવી છે.
અલગ અલગ સૂત્રોએ આ વાત કન્ફર્મ કરી છે કે દાઉદ ઇબ્રાહિમ કરાંચીની જ એક હોસ્પિટલમાં ખરેખર દાખલ છે અને તેને કોઇએ ઝેર આપી દીધું એટલે નહિ પરંતુ તેની બિમારીઓને કારણે તેને દાખલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી તો આ ઘટના કન્ફર્મ થવાની કોઇ શક્યતા નથી, કારણકે જે પાકિસ્તાન દાઉદ સંતાયો હોવાની વાતને આટલા વર્ષોથી છુપાવતું આવ્યું છે, તે દાઉદને ઝેર આપવાની વાત તો ક્યાંથી કન્ફર્મ કરશે?
67 વર્ષના ડોનને ઝેર આપવાની વાતો પહેલીવાર મુંબઇસ્થિત એક સામાજીક કાર્યકર્તા નીરજ ગુંડેએ આપી હતી. તેમણે લખ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમ બેભાન થયાના કેટલાક ટ્વીટ્સ ફરી રહ્યા છે, અમારા સૂત્રો પણ એવું જણાવી રહ્યા છે કે દાઉદની હાલત હાલ ગંભીર છે, અને તેને હોસ્પિટલ લઇ જવાયો છે. આ સમાચારને વેરીફાય કરવાની જરૂર છે.
નીરજ ગુડેએ તેની આ પોસ્ટમાં પીએમ મોદી, ગૃહ મંત્રાલય, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સહિત અનેક મોટા માથાઓને ટેગ કર્યા હતા. મુંબઇ પોલીસે પણ આ સમાચારને કન્ફર્મ કરવાના ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ કોઇ કન્ફર્મેશન આવતા પહેલા જ પાકિસ્તાનની પત્રકાર આરઝુ કાઝમીના એક વીડિયોએ ખળભળાટ મચાવી દીધો. આરઝુએ તેના વીડિયોમાં દાઉદ ઇબ્રાહિમને ઝેર આપવાની આશંકા જતાવી હતી, ઉપરથી તેણે વીડિયોમાં એવું પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ છે. યુ ટ્યુબથી લઇને ગૂગલ તથા મોટાભાગની સોશિયલ મીડિયા સાઇટ બંધ કરી દેવામાં આવી છે. તેને પોતાના બીજા વીડિયો અપલોડ કરવા માટે હવે વીપીએનની જરૂર પડશે તેવું કાઝમીએ જણાવ્યું હતું.
તેણે કહ્યું હતું એક એક કરીને કેટલાક અજ્ઞાત લોકો પાકિસ્તાનમાંથી વીણીવીણીને આતંકીઓને ઠાર મારી રહ્યા છે. તેને જોઇને આ ઘટના સાચી હોય તેવું બની શકે. સામાન્યપણે આતંકવાદીઓ માટે જે માણસો કામ કરતા હોય છે તે લોકો ઠાર મરાતા હોય છે, હાફિઝ સૈયદ, સૈયદ સલાઉદ્દીન, મસૂદ અઝહર જેવા આતંકવાદીઓ તો હજુપણ ખુલ્લેઆમ જ ફરી રહ્યા છે.
તમામ ઉહાપોહ વચ્ચે દાઉદના ખાસ મનાતા છોટા શકીલે નિવેદન આપ્યું હતું કે દાઉદને ઝેર આપી દેવાના સમાચાર ખોટા છે, તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. મુંબઇમાં દાઉદના કેટલાક સગા પણ રહે છે તેના ભાણિયા અલીશાહ પાર્કર અને સાજિદ વાગ્લેનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે દાઉદ હવે ઘણો બિમાર રહેવા લાગ્યો છે. તેમને હાઇપર ટેન્શન, બ્લડ પ્રેશર, કિડની સહિતની બિમારીઓ છે.