ઓડિશા, ગુરુગ્રામ, સુરત ને હવે નોઈડાઃ દીકરીઓ આટલી અસુરક્ષિત કેમ? | મુંબઈ સમાચાર
નેશનલ

ઓડિશા, ગુરુગ્રામ, સુરત ને હવે નોઈડાઃ દીકરીઓ આટલી અસુરક્ષિત કેમ?

સોનમ રઘુવંશી અને મુસ્કાન નામની બે મહિલાએ ક્રૂર માનસિકતા દર્શાવી પોતાના પ્રેમીને પામવા પતિને મારી નાખ્યો અને આખા દેશમાં હોહા મચી ગઈ. એ વાતથી ઈનકાર ન કરી શકાય કે મહિલાઓ દ્વારા પુરુષોની થતી પજવણી અને મહિલાઓ દ્વારા આચરાતા ગુનાઓમાં વધારો નોંધાયો છે અને તે સમાજ માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે તેમ છે અથવા થઈ રહ્યું છે. પણ આ મોટાભાગના કિસ્સા પારિવારિક કારણો કે પ્રેમ-પૈસાના કારણોથી થઈ રહ્યા છે, જે ગુનાખોરીનો એક ભાગ છે. જ્યારે છેલ્લા એકાદ પખવાડિયાથી દેશમાં યુવતીઓ સાથે જે બની રહ્યું છે તે આપણી દીકરીઓ-મહિલાઓ પ્રત્યેની માનસિકતા છત્તી કરે છે અને કાયદો અને વ્યવસ્થાની સતત નિષ્ફળતા બયાન કરી રહી છે. વળી, દુઃખની વાત તો એ છે કે આમાંથી મોટાભાગના કેસમાં યુવતીએ પોતાની સાથે થઈ રહેલા અત્યાચારની જાણ ઘણાને કરી હતી, પંરતુ તેને કોઈ રક્ષણ મળ્યું નહીં.

સતામણીથી કંટાળી ત્રણ યુવતીની આત્મહત્યા

સૌથી પહેલા ઓડિશાની વાત કરીએ તો ગયા શનિવારે ઓડિશાના બાલાસોરમાં આવેલી ફકીર મોહન ઓટોનોમસ કોલેજની એક બી એડની વિદ્યાર્થિનીએ કોલેજના પ્રિન્સિપાલની ઓફીસ સામે પોતાને આગ લગાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો (Odisha Student self-immolation)હતો, ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે ભુવનેશ્વર એઈમ્સમાં દાખલ કરવામાં આવી હતી, સારવાર દરમિયાન ગત રાત્રે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું. જેને કરાણે રાજ્યભરમાં રોષની લાગણી છે, પીડિતાને ન્યાય અપાવવા માટે સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: આત્મદાહ કરનાર ઓડિશાની વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મૃત્યુ, રાજ્યભરમાં આક્રોશ

આ ઘટનામાં જે જાણકારી બહાર આવી તે પ્રમાણે પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે બી એડ વિભાગના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ સમીર કુમાર સાહુ છેલ્લા છ મહિનાથી તેની જાતીય સતામણી કરતા હતાં, તેને કોલેજ પ્રિન્સિપાલ, કોલેજ ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટી, ઉપરાંત સ્થાનિક પોલીસને પણ આ અંગે જાણ કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં, તેને સોશિયલ મીડિયામાં મુખ્ય પ્રધાનને ટેગ કરીને પોસ્ટ પણ મૂકી હતી, છતાં કાર્યવાહી ન થઈ.

કોલેજ ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટીએ સમીર કુમાર સાહુને જાતીય સતામણીના આરોપોમાં ક્લીનચીટ આપતા ભાંગી પડેલી વિદ્યાર્થિનીએ શનિવારે કોલેજના પ્રિન્સિપાલના ચેમ્બરની બહાર જ પોતાને આગ લગાવી દીધી હતી.

આ ઘટના બાદ ફરી ગ્રેટર નોઈડામાં એક વિદ્યાર્થિનીએ પ્રોફેસરોના માનસિક ત્રાસ અને અપમાનજનક વ્યવહારથી કંટાળી આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો. તેણે લખેલી સ્યૂસાઈડ નોટમાં તેમનાં નામ લખ્યા અને તેમની સામે પગલાં લેવાની માગણી પણ કરી.

તો સુરતમાં એક માત્ર 19 વર્ષીય યુવતી કોચિંગ ક્લાસમાં ભણાવવા જતી હતી ત્યાં તેને એક યુવક પરેશાન કરતો હતો અને સતત અભદ્ર માગણીઓ કરતો હતો. પરિવારે યુવકને ધમકાવવા-સમજાવવાની કોશિશ કરી, પરંતુ યુવતી એટલી ત્રાસી ગઈ કે તેણે પણ મોતને વ્હાલુ કર્યુ.

રાધિકાને તો જન્મદાતા પિતાએ જ મારી નાખી

ગુરુગ્રામની ટેનિસ ખેલાડી રાધિકા યાદવનો કિસ્સો આ ત્રણેયથી અલગ છે. રાધિકા એક આશાસ્પદ યુવતી હતી અને પરિવારના સતત બંધનો વચ્ચે પણ ટેનિસ રમી-શિખવાડી પોતાની ઓળખ બનાવી રહી હતી. રાધિકાને આર્ટમાં પણ રસ હતો અને એક લોકલ સિંગરના મ્યુઝિક આલ્બમમાં પણ તેણે કામ કર્યું હતું. દીકરી મોર્ડન થઈ રહી છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તે વાત પિતા દીપકને ખટકતી હતી અને તેણે દીકરીના શરીરમાં ચાર ગોળીઓ ધરબી તેને ઘરમાં જ મારી નાખી.

આ પણ વાંચો: રાધિકા યાદવ કેસઃ જે બેસ્ટ ફ્રેન્ડએ સોશિયલ મીડિયા દ્વારા વ્યથા ઠાલવી તેની પાસેથી પોલિસને મળી આ ચોંકાવનારી વિગતો

ઘર અને શૈક્ષણિક સંસ્થામાં જ દીકરીઓ સુરક્ષિત નથી તો…

કોઈ યુવાન દીકરી બહાર નીકળે, અજાણી જગ્યાએ જાય, રાત્રે મોડી આવે-જાય તો માતા-પિતાને ચિંતા રહે અને તેઓ સતર્ક રહે તે સમજી શકાય, પરંતુ જ્યાં તેને સૌથી વધારે તાકાત અને હૂંફ મળવી જોઈએ તે ઘર અને શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓ આ રીતે હેરાન થાય અને મારી નખાય અથવા મોતને વ્હાલુ કરે ત્યારે સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.

રાધિકાના પિતાને કોઈ હક નથી દીકરીના નિર્ણયો કરવાનો, છતાં જો તેમને કંઈ અજુગતું લાગતું હોય તો દીકરીને સમજાવી શકાય, પણ તેનાં પર ખોટા બંધનો નાખી તેને મારી નાખવાની વૃત્તિ દીકરી પર પોતાનું આધિપત્ય જમાવવાની માનસિકતા છત્તી કરે છે. આજે પણ દીકરી અમે બનાવેલા સર્કલમાં જ રમ્યા કરે, તેવું પરિવારો અને સમાજ ઈચ્છે છે.

આ પણ વાંચો: ઓડિશામાં જાતીય સતામણીથી કંટાળી વિદ્યાર્થિનીનો આત્મદાહ પ્રયાસ, રાજકારણ ગરમાયું

તો બીજી બાજુ શૈક્ષણિક સંસ્થામાં પણ જાતીય સતમાણીના ગંભીર બનાવો બની રહ્યા છે. દુઃખની વાત તો એ છે કે જેમના પર દેશનું ભવિષ્ય તાકાતવર, હિંમતવાન બનાવવાની જવાબદારી છે, તે પ્રોફેસર-શિક્ષકોની શારીરિક અથવા માનસિક સતામણીનો ભોગ વિદ્યાર્થિનીઓ બને તે પરિસ્થિતિની ભયાનકતા દર્શાવે છે. આ ઉપરાંત સતત બનતી બળાત્કારની ઘટનાઓ લાખો છોકરીઓને હતાશ કરી દેતી હોય છે. એવું નથી કે છોકરાઓ અને પુરુષો માટે ઘણું સારું વાતાવરણ દેશમાં છે, પરંતુ દીકરીઓ-મહિલાઓ પ્રત્યેની હીન માનસિકતા તેમના સુખી અને સુરક્ષિત જીવન સામે મોટી બાધા છે. દીકરીઓ સતત અવાજ ઉઠાવી રહી છે, પરંતુ તેની ચીસ જેવી અસર કરવી જોઈએ તે થઈ રહી નથી.

કાયદો અને વ્યવસ્થા અને સમાજ બન્ને સાથે મળી આજ સુધી દીકરીઓને એક સુરક્ષિત અને સ્વતંત્ર વાતાવરણ પૂરું પાડી શક્યા નથી, તેની સાક્ષી રોજબરોજની ઘટનાઓ પૂરે છે. આવી ઘટના જ્યારે બને ત્યારે થોડા દિવસ ઉહાપોહ, આંદોલનો, સમિતિઓનું ગઠન થાય છે, પણ સ્થિતિમાં કોઈ બદલાવ આવતો જ નથી.

આ પણ વાંચો: સુરત ફરી થયું શર્મસાર: વિદ્યાર્થિનીની છેડતી કરનારો નરાધમ શિક્ષક પકડાયો

આ યુવતીઓ પણ શિક્ષણ લઈ, આગળ વધી સમાજને કંઈક દેવા માગતી હતી, પંરતુ જે દેશ-સમાજને તેઓ પોતાના જ્ઞાન અને કૌશલ્યોથી પ્રકાશિત કરવા માગે છે, તેઓ તેમના જીવનમાં આવતા અંધારાને દૂર કરવા શું કરે છે, તે સવાલ છે. આવી યુવાન આશાસ્પદ, શિક્ષિત યુવતીઓની આવી વિદાય આપણી વચ્ચેથી કેટલીય ડોક્ટર, એન્જિનિયર, ટીચર્સ, સ્પોર્ટ્સ પ્લેયર, અભિનેત્રી કે નર્સ અથવા બિઝનેસવુમન છીનવી રહે છે તેનો ખ્યાલ આપણને છે?. આ સાથે એક દીકરી, બહેન, બહેનપણી, પ્રિયતમા કે પત્ની અને માતા પણ કમોતે મોત મરી રહી છે, આ માત્ર તેમના નહીં આપણા સૌના ઉજવળ ભાવિના સપનાઓ પર પણ લાગેલા ઊંડા ઘા છે, જે રૂઝવવા મુશ્કેલ બની ગયા છે.

સાવ જ વાહિયાત અને પાયાવિહોણા મામલે ખેંચતાણ કરતા રાજકીય પક્ષો, ખોટા અને બિનજરૂરી વિષયો પર વાદ-વિવાદ અને ચર્ચાઓ કરતા બુદ્ધિજીવીઓ અને શિક્ષિતો અને જ્ઞાતિ-ધર્મ, ભાષાના વાડામાં વિભાજીત થયેલી આમ જનતા, બધા જ આ સ્થિતિ માટે જવાબદાર છે અને બધાની જાગરૂકતા અને સક્રિયતા જ આ સ્થિતિમાં સુધારો લાવી શકશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button