રાજ્યની દીકરીઓ બનશે લખપતિ જન્મથી ૧૮ વર્ષની થશે ત્યાં સુધી મળશે લાભ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં દીકરીઓને સક્ષમ બનાવવાના હેતુથી ‘લેક લાડકી’ યોજના અમલમાં મૂકીને ગરીબોની દીકરીઓને લખપતી બનાવવાનો મહત્ત્વપુર્ણ નિર્ણય મંગળવારની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મહિલા અને બાળકલ્યાણ ખાતા હેઠળ રહાજ્યની બાળકીઓને સક્ષણ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીળા અને કેસરી રેશનકાર્ડ ધારક કુટુંબમાં બાળકીનો જન્મ થતાં તેમને રૂ. પાંચ હજાર, પહેલા ધોરણમાં જાય ત્યારે રૂ. ૬,૦૦૦, છઠા ધોરણમાં જાય ત્યારે રૂ. ૭,૦૦૦, અગિયારમા ધોરણમાં જાય ત્યારે રૂ. ૮,૦૦૦ અને અઢાર વર્ષ પૂરા કરે ત્યારે રૂ. ૭૫,૦૦૦ આમ કુલ ૧,૦૧,૦૦૦નો લાભ આપવામાં આવશે. પહેલી એપ્રિલ, ૨૦૨૩ પછી જન્મેલી પરિવારની પહેલી કે બીજી દીકરીને આ લાભ આપવામાં આવશે. આઉપરાંત અન્ય નિર્ણયોમાં ફલટણથી પંઢરપૂર નવી બ્રોડગેજ રેલવે લાઈનનો પ્રોજેક્ટ રેલવે મંત્રાલય દ્વારા પૂરો કરવામાં આવશે.
આ ઉપરાંત ખેડૂતો માટે અત્યંત મહત્ત્વનો નિર્ણય લેતાં નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને પહેલો હપ્તો મંજૂર થઈ ગયો છે. રૂપિયા બે હજારનો પહેલો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. આને માટે સરકારે રૂ. ૧,૭૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
કેબિનેટની બેઠકમાં સાંગલી અને અહમદનગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ અને એડિશનલ સેશન્સ કોર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી જ રીતે નાગપુરમાં ભોસલા મિલિટ્રી સ્કૂલ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે.