દર્શન હિરાનંદાનીને એફિડેવિટ નોંધાવવાની ફરજ પાડવામાં આવી
મહુઆ મોઇત્રાએ આરોપો પર 2 પાનાની સ્પષ્ટતા આપી
નવી દિલ્હીઃ સંસદમાં પૈસા લઇને સવાલ પૂછવાના મામલામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી ગઇ છે. ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીએ આરોપો અંગે સંસદની એથિક્સ કમિટી સમક્ષ કબૂલાત રજૂ કરી છે. તેમણે તેમના એક એફિડેવિટમાં કહ્યું છે કે મહુઆ મોઇત્રાએ તેમની સાથે સંસદનું લોગિન આઈડી અને પાસવર્ડ શેર કર્યો હતો જેથી તેઓ તેના વતી પ્રશ્નો અપલોડ કરી શકે. મહુઆ મોઇત્રાએ આ આરોપો પર બે પાનાનું નિવેદન જારી કર્યું હતું અને હિરાનંદાનીની એફિડેવિટ પર સવાલો ઉઠાવ્યા હતા.
દર્શન હિરાનંદાનીએ દાખલ કરેલા સોગંદનામામાં ઘણા દાવા કર્યા છે. જેમાં તેમણે મહુઆને મોંઘીદાટ ભેટ આપી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. હિરાનંદાનીનું એફિડેવિટ બહાર આવ્યા બાદ તરત જ મહુઆ મોઇત્રાએ એક નિવેદન જારી કરીને આ એફિડેવિટ પર સવાલો ઉઠાવ્યા હતા.
મોઇત્રાએ જણાવ્યું હતું કે સાદા કાગળના ટૂકડા પર એફિડેવિટ નોંધાવવામાં આવી છે. એ સત્તાવાર લેટરહેડ નથી કે ના તો એને સ્ટેમ્પ પેપર પર લખવામાં આવ્યું છે. મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના નિવેદનની નકલ જાહેર કરી અને કહ્યું કે પત્ર (એફિડેવિટ)ની સામગ્રી મજાક છે. મહુઆ મોઇત્રાએ વધુમાં દાવો કર્યો હતો કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા તેમને નિશાન બનાવવા માટે એફિડેવિટ તૈયાર કરવામાં આવી છે. તેમણે પોતાના પત્રમાં દાવો કર્યો હતો કે ભાજપ સરકાર અદાણી મુદ્દે મને કોઈક રીતે ચૂપ કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહી છે.
નોંધનીય છે કે આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સ્પીકરને ફરિયાદ કરી હતી કે ટીએમસીના મહુઆ મોઇત્રાએ ગૃહમાં પ્રશ્નો પૂછવાના બદલામાં લાંચ લીધી હતી. નિશિકાંત દુબેએ દાવો કર્યો હતો કે તેમની પાસે નક્કર પુરાવા છે કે બિઝનેસમેન દર્શન હિરાનંદાનીએ મહુઆ મોઇત્રાને લાંચ આપી છે.