ભારત માટે ખતરાની ઘંટડી, ક્લાયમેટ ચેન્જથી થશે આટલું મોટું નુકસાન
Climate Change: જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલો એક રિપોર્ટ ભારતની ચિંતા વધારી શકે છે. એશિયન ડેવલપમેંટ બેંકના નવા રિપોર્ટ મુજબ, જળવાયુ પરિવર્તનના કારણે 2070 સુધી ભારતના જીડીપીમાં 24.7 ટકાનો ઘટાડો થઈ શક છે. રિપોર્ટ મુજબ, જો આ સંકટ આમ જ વધતું રહેશે તો એશિયા-પેસિફિકના જીડીપીમાં 16.9 ટકાનો ઘટાડો થઈ શકે છે. રિપોર્ટ મુજબ ભારત પર તેની મોટી અસર થઈ શકે છે.
દરિયાની સપાટી વધવાથી અને શ્રમિક ઉત્પાદકતામાં ઘટાડો સૌથી ગંભીર નુકસાન તરીકે સામે આવશે. જેમાં ઓછી આવક અને નબળા અર્થતંત્રો સૌથી વધારે પ્રભાવિત થશે. રિપોર્ટ મુજબ, જો જળવાયુ પરિવર્તનનો જલદી કોઈ ઉકેલ નહીં લાવવામાં આવે તો વર્ષ 2070 સુધી આ ક્ષેત્રમાં આશરે 30 કરોડ લોકો દરિયાઈ પૂરની ઝપેટમાં આવી શકે છે, તેમજ અબજો ડૉલરનું નુકસાન પહોંચી શકે છે.
એડીબીના અધ્યક્ષ માસાત્સુગુ અસકાવાએ (ADB President Masatsugu Asakawa)કહ્યું, જળવાયુ પરિવર્તને વાવાઝોડું, હીટ વેવ અને પૂરના રૂપમાં વિનાશકારી પ્રભાવો વધારી દીધા છે. જેનાથી આર્થિક પડકાર અને માનવીય પીડા વધી રહી છે. આ પ્રભાવોને રોકવા તાત્કાલિક નક્કર પગલાં લેવાની જરૂર છે.
રિપોર્ટ અનુસાર વર્ષ 2070 સુધી જળવાયુ પરિવર્તનના કારણે એશિયા-પેસિફિકના જીડીપીમાં 16.9 ટકાનું નુકસાન થઈ શકે છે. આ દરમિયાન ભારતના જીડીપી 24.7 ટકા, બાંગ્લાદેશમાં 30.5 ટકાનું નુકસાન થઈ શકે છે. ઉપરાંત વિયેતનામ, ઈન્ડોનેશિયા તથા પાકિસ્તા જેવા દેશોમાં ઘણો ઘટાડો થઈ શકે છે.
રિપોર્ટમાં ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે વધુ પડતો વરસાદ અને અસ્થિર પેટર્ન વધારે ભૂસ્ખલન તથા પૂરની સ્થિતિ પેદા કરશે. ભારત અને ચીનમાં 4.7 ડિગ્રી સેલ્સિયશ તાપમાન વધારા સાથે ભૂસ્ખલનમાં 30 થી 70 ટકા સુધી વધારો થઈ શકે છે. પૂરના કારણે 2070 સુધીમાં એશિયામાંવાર્ષિક 1.3 ટ્રિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે, જ્યારે પ્રતિ વર્ષ આશરે 11 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે. ભારતમાં રહેણાંક વિસ્તારોને સૌથી વધુ નુકસાન થઈ શકે છે.