નેશનલ

Cyclone Remal એ મચાવી તબાહી, 1 વ્યક્તિનું મોત, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે મોટાપાયે નુકશાન

નવી દિલ્હી : બંગાળની ખાડીમાં ઉત્પન થયેલું  ચક્રવાત રેમલ (Cyclone Remal) રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. ભારતીય હવામાન વિભાગે(IMD) કહ્યું છે કે જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટક્યું ત્યારે પવનની ઝડપ 110-120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. આ પવન 135 કિમી પ્રતિ કલાકની ઝડપે વધી ગયો હતો. વાવાઝોડું રાત્રે 8.30 વાગ્યે દરિયાકાંઠે ટકરાવાનું શરૂ થયું જે ચાર કલાક સુધી ચાલુ રહ્યું. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થયું છે. રેમલ વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થવાની આશંકા પહેલેથી જ હતી. જેના કારણે દરિયાકાંઠેથી અનેક લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા હતા.

દિવાલ પડવાને કારણે એક વ્યક્તિનું મોત

ચક્રવાતના જે વિડીયો ફૂટેજ સામે આવ્યા છે. જેમાં દીઘાના દરિયાકાંઠાના રિસોર્ટમાં ઊંચા મોજાઓ અથડાતા જોવા મળ્યા છે. રેમલના કારણે પશ્ચિમ બંગાળના સમગ્ર દરિયાઇ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આવું જ કંઈક બાંગ્લાદેશમાં પણ થયું છે, જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ એટલો તીવ્ર બની ગયો છે કે કિનારા પર પાર્ક કરેલી બોટોમાં પાણી ભરાઈ ગયા છે. માટી અને વાંસના મકાનો ધરાશાયી થતા જોવા મળ્યા છે. દરિયાકાંઠાના ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કોલકાતાના બીબીર બાગાન વિસ્તારમાં દિવાલ પડવાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

જયારે ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે નીચાણવાળા મકાનોની છત ઉડી ગઈ હતી. તેમજ ઈલેક્ટ્રીક થાંભલા તૂટી ગયા હતા અને ઘણા વિસ્તારોમાં વૃક્ષો ઉખડી ગયા હતા. કોલકાતાને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ અને ઘરો પાણીમાં ડૂબી ગયા છે.

ભારતના હવામાન વિભાગના પૂર્વ ક્ષેત્રીય વડા સોમનાથ દત્તાએ સંકેત આપ્યો છે કે દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની અસર જોવા મળશે. વાવાઝોડું ત્રાટક્યું ત્યારથી બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને કોલકાતા સુધી ભારે વરસાદ પડી રહ્યો છે.

રેમલે વિનાશ વેર્યો

ચક્રવાતી તોફાન ‘રેમલ’ થી અનેક મકાનો ધરાશાયી થયા તેમજ અનેક જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા હતા અને ઈલેક્ટ્રીક થાંભલાઓ પડી ગયા હતા. સુંદરબનના ગોસાબા વિસ્તારમાં કાટમાળથી એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ચક્રવાત આવે તે પહેલા પશ્ચિમ બંગાળના સંવેદનશીલ વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાન કચેરીએ કહ્યું, ‘ચક્રવાત રેમલે રવિવારે રાત્રે 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે લેન્ડફોલ કર્યું હતું.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button