Cyclone Remal: રેમલની અસરથી ઉત્તર-પૂર્વમાં મુશ્કેલીઓનો વરસાદ; સેનાએ શરૂ કરી રાહત-બચાવ કામગીરી
નવી દિલ્હી : ઉત્તર-પૂર્વ ભારતમાં રેમલ વાવાઝોડાને (Impact of Cyclone Ramal in North East India) લીધે બે દિવસ પડેલા ભારે વરસાદને પગલે ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ, પૂર, તોફાન અને ભૂસ્ખલન જેવી કુદરતી આપતિઓના કારણે અનેક લોકોનું જીવન પ્રભાવિત થયું છે. જેમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત પણ થયા છે. કુદરતી આપત્તિની સ્થિતિમાં સેના દ્વારા રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે.
મંગળવારથી ભારે વરસાદને કારણે મણીપૂરની ઇમ્ફાલ ઘાટીમાં બહરે પૂર આવ્યું હતું, જેના લીધે સેંકડો લોકોનું જીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદના લીધે ઇંફાલ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. આથી ખીણમાં રહેતા લોકોના મકાનમાં પાણી ભરાયા છે અને રોજીંદી જિંદગીમાં અવ્યવસ્થા ઉભી થઈ છે. ઇમ્ફાલના પૂર્વ જિલ્લામાં ઓછામાં ઓછા બે વિસ્તારોમાં નદીના પાળા તૂટી ગયા છે. સુરક્ષા દળો અને સ્થાનિક સ્વયંસેવકોએ ઘણા ફસાયેલા ગ્રામજનોને બહાર કાઢવામાં મદદ કરી છે.
પૂરમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા સુરક્ષિત બચાવીને સ્થળાંતરીત કરવામાં આવી રહ્યા છે. રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 37 અને 2 પર ભૂસ્ખલનને લીધે આવશ્યક ચીજવસ્તુઓઓનું પરિવહન પણ ઠપ્પ થઈ ગયું છે. જેની ગંભીર અસર રાજ્યભરમાં પુરવઠાના વિતરણ પર દેખાઈ રહી છે. એક રેલવે અધિકારી જણાવ્યું હતું કે રેમલ વાવાઝોડા બાદ રેલવે સેવા ખૂબ પ્રભાવિત થઈ છે. પહાડી વિસ્તારોમાં રેલવે સેવા પાણી ભરાવાના લીધે ઠપ્પ થઈ ચૂકી છે.
મણીપૂર સરકારને મદદ કરવા માટે ભારતીય સેના અને આસામ રાઈફલે પૂરમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. મિઝોરમમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ સામગ્રી પહોંચાડવાની કામગીરી સેના દ્વારા કરવામાં આવી રહી છે.