Cyclone Remal ભારે વરસાદ લાવી રહ્યું છે, IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું
નવી દિલ્હી : બંગાળની ખાડીમાં ઉત્પન થયેલું સાયક્લોન રેમલ (Cyclone Remal) બંગાળના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે.જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના(IMD) તાજા બુલેટિન મુજબ આ ડીપ ડિપ્રેશન દરિયા કિનારાથી 380 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. તે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ આજે બપોરે સાયક્લોનમાં પરિવર્તિત થશે. તેની બાદ તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે અને 26 મી મેના રોજ લેન્ડફોલ કરશે.
વાવાઝોડાની અસર બિહાર અને ઓડિશામાં પણ જોવા મળશે
પશ્ચિમ બંગાળમાં આવી રહેલા આ ચક્રવાતી તોફાનના કારણે બંગાળને અડીને આવેલા રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. આ વાવાઝોડાની અસર બિહાર અને ઓડિશામાં પણ જોવા મળી શકે છે. જયા કાળઝાળ ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી શકે છે.
આજે ભારે વરસાદની સંભાવના
આ ચક્રવાતને કારણે આજથી કોલકાતા સહિત દક્ષિણ બંગાળના તમામ જિલ્લાઓમાં જોરદાર પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, પુરુલિયા,બાંકુરા, પૂર્વ બર્દવાન, પશ્ચિમ બર્દવાન, બીરભૂમ, મુર્શિદાબાદ અને નાદિયામાં વાવાઝોડાની શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મેદિનીપુરમાં આજે ભારે વરસાદની સંભાવના છે.
100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
જ્યારે રવિવાર અને સોમવારે પશ્ચિમ બંગાળનું હવામાન સંપૂર્ણપણે બદલાઈ જશે. કોલકાતા, હાવડા, પૂર્વ મેદિનીપુર, હુગલીમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. આ ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. આ દરમિયાન ઉત્તર અને દક્ષિણ 24 પરગણામાં 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ચક્રવાત રેમલ અહીં ભારે વરસાદ લાવશે. આ બંને જિલ્લામાં રેડ એલર્ટ રહેશે.
કોલકાતામાં મહત્તમ તાપમાન ઘટશે
આજે કોલકાતામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહી શકે છે. તે પછી 26 અને 27 મેના રોજ કોલકાતાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી ઘટી શકે છે. આ પછી, કોલકાતામાં મહત્તમ તાપમાન 28મી મેના રોજ 33 ડિગ્રી સેલ્સિયસ, 29મી મેના રોજ 35 ડિગ્રી સેલ્સિયસ અને 30મી મેના રોજ 36 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.