આજે ત્રાટકશે 'મોન્થા' વાવાઝોડું : આંધ્રપ્રદેશ પર સૌથી મોટો ખતરો, 100 KM/Hની ઝડપની આગાહી. | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

આજે ત્રાટકશે ‘મોન્થા’ વાવાઝોડું : આંધ્રપ્રદેશ પર સૌથી મોટો ખતરો, 100 KM/Hની ઝડપની આગાહી.

હૈદરાબાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતીય તોફાન ‘મોન્થા’ આજે મંગળવારે સાંજ સુધીમાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વાવાઝોડું મછલીપટ્ટનમ અને કલિંગાપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીકથી પસાર થવાની સંભાવના છે. જ્યારે તે તટ પર ટકરાશે, ત્યારે તેની ગતિ ૯૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

હાલમાં, આ ચક્રવાત ચેન્નઈથી ૪૨૦ કિમી અને વિશાખાપટ્ટનમથી ૫૦૦ કિમી દૂર છે, જ્યારે કાકીનાડાથી તેની અંતર લગભગ ૪૫૦ કિમી છે અને તે ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ‘મોન્થા’ એક ‘ગંભીર ચક્રવાતી તોફાન’ માં પરિવર્તિત થઈ શકે છે, જેના કારણે આંધ્ર પ્રદેશમાં તેની સૌથી વધુ અસર જોવા મળશે. ત્યારબાદ તે ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધશે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદ

વાવાઝોડાની અસરને કારણે ચેન્નઈ અને તેની આસપાસના ઉપનગરોમાં સોમવાર સવારથી જ સતત વરસાદ ચાલુ છે, જેની તીવ્રતા રાત્રે વધી હતી. હવામાન વિભાગે ચેન્નઈ અને તિરુવલ્લુર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે, જેના કારણે બંને જિલ્લા વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.

કેરળમાં પણ મંગળવારે વરસાદ ચાલુ રહેશે. જોકે, બપોર કે સાંજ સુધીમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઓછી થવાની શક્યતા છે. આ તોફાનની અસર દેશના મોટા ભાગમાં જોવા મળી રહી છે, મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં પણ ૨૮ થી ૩૦ ઓક્ટોબર દરમિયાન મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના માટે ચંદ્રપુર, ગઢચિરોલી, નાગપુર સહિત ઘણા જિલ્લાઓમાં ‘યલો’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તટીય ક્ષેત્રોમાં ધોવાણ

આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યાં તેજ પવનો અને ભારે વરસાદને કારણે કાકીનાડા જિલ્લામાં દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. ઉપ્પદાના દરિયાકાંઠે મોજાં કિનારા તરફ વધી રહ્યા છે, જેનાથી તટીય ધોવાણની સ્થિતિ ગંભીર બની છે. પોલીસે ઉપ્પદા, સુબ્બમપેટ, માયાપટ્ટનમ અને સુરદાપેટ ગામોના રહેવાસીઓને તેમના ઘરોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

તિરુપતિ જિલ્લાના ૭૫ કિમી લાંબા દરિયાકિનારાવાળા તટીય મંડળોમાં પણ ભારેથી અતિભારે વરસાદનો અંદાજ છે. આ સંભવિત આફતનો સામનો કરવા માટે દક્ષિણ મધ્ય રેલવેએ વ્યાપક તૈયારીઓ કરી છે, જેમાં તમામ વિભાગોને હાઇ એલર્ટ રહેવા સૂચના આપી છે.

આ પણ વાંચો…‘મોન્થા’ વાવાઝોડાનો ખતરો: IMDએ આપ્યું રેડ એલર્ટ, સેના અને NDRF હાઈ એલર્ટ પર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button