તમિલનાડુ-આંધ્રપ્રદેશમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત મિચોંગ પડ્યું નબળું
ચેન્નાઇઃ બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત મિચોંગ હવે નબળું પડી ગયું છે. પરંતુ ચક્રવાતે તબાહીનો દોર છોડી દીધો છે. જો કે, તેની અસરને કારણે ભારતના દક્ષિણ તટીય રાજ્યોમાં હજુ પણ 7 ડિસેમ્બર સુધી વરસાદ ચાલુ રહી શકે છે. ચક્રવાતી તોફાન મિચોંગ સામે લડ્યાના એક દિવસ બાદ મંગળવારે તમિલનાડુને વરસાદથી થોડી રાહત મળી હતી. હવે તે નબળું પડવા લાગ્યું છે, પરંતુ આ વાવાઝોડાએ સામાન્ય લોકોને જે નુકસાન પહોંચાડ્યું છે તેમાંથી બહાર આવતા લોકોને સમય લાગશે.
જો તમિલનાડુની વાત કરીએ તો, મિચોંગના આગમનના થોડા કલાકો પહેલા આવેલા પૂરને કારણે એકલા ચેન્નાઈમાં જ ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. જ્યારે તિરુપતિમાં એક બાળકે જીવ ગુમાવ્યો છે. વાવાઝોડું મંગળવારે બાપટલા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઓળંગી ગયું હતું. ચક્રવાતથી મોટા પાયે નુકસાન થયું હતું.
ચક્રવાત મિચોંગ મંગળવારે ત્રાટકતા જ ચેન્નાઈમાં સતત વરસાદ થઈ રહ્યો હતો. મિચોંગથી પ્રભાવિત ઘણા શહેરોમાં હજુ પણ મોબાઈલ કનેક્ટિવિટીની મોટી સમસ્યા છે. વીજકાપથી લોકો પણ પરેશાન છે. જો કે, રાજ્ય સરકાર દાવો કરે છે કે તેણે 80 ટકા વીજ પુરવઠો અને 70 ટકા મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરી છે. તમિલનાડુના મુખ્ય સચિવે કહ્યું છે કે શહેરમાં 42,747 મોબાઈલ ફોન ટાવર છે, જેમાંથી 70 ટકા હાલમાં કાર્યરત છે. પોલીસના જણાવ્યા અનુસાર, ડૂબી જવાની અને ઇલેક્ટ્રિક શોકની ઓછામાં ઓછી 10 ઘટનાઓ નોંધાઈ છે જેના માટે તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.
ચક્રવાતી તોફાન મિચોંગના કારણે થયેલા નુકસાન બાદ તમિલનાડુની ડીએમકે સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. સ્ટાલિનની આગેવાનીવાળી સરકારે કહ્યું છે કે મિચોંગને કારણે થયેલા વરસાદને કારણે રાજધાની ચેન્નાઈ અને ઘણા જિલ્લાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. તેનું પુનઃનિર્માણ કરવા અને લોકોને રાહત આપવા માટે, ભારત સરકારે તેમને 5 હજાર કરોડ રૂપિયાની વચગાળાની સહાય મોકલવી જોઈએ.