નવી દિલ્હી: ‘મિગજોમ’ વાવાઝોડું આજે આંધ્ર પ્રદેશના તટ પર લેન્ડફોલ કરશે. આંધ્ર પ્રદેશ સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા એમ આઠ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. પુડુચેરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેના કારણે મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી ત્યાં અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
‘મિગજોમ’ વાવાઝોડાના કારણે ચેન્નાઈ હવામાન કેન્દ્રે આજે મંગળવારે સવારે તમિલનાડુના દસ જિલ્લામાં મધ્યમ વરસાદ, ઝડપી પવન ફૂંકાવા અને વીજળી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાત્રે 9 વાગ્યા સુધી વાવાઝોડાના કેન્દ્રની નજીક પવનની ગતિ 90-100 કિમી પ્રતિ કલાકની હતી અને આંધ્રપ્રદેશના નેલ્લોર અને પ્રકાશમ જિલ્લામાં તે 70-80 કિમી પ્રતિ કલાકની હતી.
‘મિગજોમ’ વાવાઝોડાને કારણે સોમવારે ચેન્નાઈમાં પાંચ લોકોના મોત થયા હતા. ચેન્નાઈ પોલીસે જણાવ્યું કે બે લોકોના મોત ઈલેક્ટ્રીક શોકને કારણે થયા હતા, જ્યારે શહેરના બેસંત નગર વિસ્તારમાં એક વૃક્ષ તેના પર પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. શહેરના બે અલગ-અલગ વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી એક મહિલા અને એક પુરુષના બે અજાણ્યા મૃતદેહ મળી આવ્યા હતા.
વાવાઝોડાના કારણે ચેન્નાઈ એરપોર્ટ મંગળવારે સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે. રાજ્ય સરકારે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લાઓ માટે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. સરકારે ખાનગી કંપનીઓને અપીલ કરી છે કે કર્મચારીઓને બને ત્યાં સુધી ઘરેથી કામ કરવાની મંજૂરી આપે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના મુખ્ય પ્રધાનો સાથે વાત કરી અને તેમને કેન્દ્ર તરફથી જરૂરી મદદની ખાતરી આપી.
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો…
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો...