Cyclone Fengalને કરાણે પુડુચેરીમાં અતિભારે વરસાદ, જનજીવન ખોરવાયું

પુડુચેરી: બંગાળની ખાડીમાં ઉઠેલા ફેંગલ વાવઝોડા (Cyclone Fengal)ને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં અતિભારે વરસાદ વરસી (Heavy Rain in Puducherry) રહ્યો છે. ગઈ કાલે વરસેલા વરસાદને કારણે પ્રદેશમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પુડુચેરીમાં આજે સવારે 9 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન 46 સેન્ટીમીટર (18.11 ઇંચ) વરસાદ નોંધાયો છે.
સાઈકલોન ફેંગલને કારણે પુડુચેરીમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે બુલવાર્ડ સીમાની બહારના તમામ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વિવિધ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. શનિવારે રાત્રે 11 વાગ્યાથી મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
લોકોને રાહત કેન્દ્રમાં લઇ જવાયા:
ઘણી હાઉસિંગ કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને રહેવાસીઓ કલાકો સુધી ઘરની બહાર નીકળી શક્યા ન હતા. રસ્તાઓ પર પાર્ક કરાયેલા ટુ-વ્હીલર અને કાર આંશિક રીતે વરસાદી પાણીમાં ડૂબી ગયા હતા. તમામ દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ બંધ રહી હતી અને સરકારે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયેલા લોકો માટે રાહત કેન્દ્રોની વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચો : તમિલનાડુ અને પુડ્ડુચેરી પર ચક્રવાત ‘ફેંગલ’ત્રાટક્યા બાદ હાલ કેવી છે સ્થિતિ? જાણો
ઘણા વરિષ્ઠ નાગરિકોએ જણાવ્યું કે પુડુચેરીમાં કુદરતનો આવો પ્રકોપ ત્રણ દાયકા પહેલીવાર જોયો છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને રોજિંદુ જીવન ખોરવાઈ ગયું હતું. ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને ભારે નુકશાન પહોંચ્યું છે.
રાહત અને બચાવ કામગીરી:
અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સેંકડો રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે. સરકાર ઉપરાંત સામાજિક સંસ્થાઓ રાહત શિબિરોમાં રહેતા લોકોને ફૂડ પેકેટ સપ્લાય કરી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ, આર્મી અને રેસ્ક્યુ ટીમોના સંકલિત પ્રયાસોથી કામગીરી હાથ ધરવામાં આવી છે.