“Asana” વાવાઝોડાથી ગુજરાતને સંકટ ટળ્યું: કરાંચી તરફ વધ્યું આગળ

ગાંધીનગર: ગુજરાતમાં ડીપ ડિપ્રેશનની જે પરિસ્થિતિ ઉભી થઇ હતી તે ધીમે ધીમે આગળ વધીને વાવાઝોડામાં પરિવર્તિત થઈ હતી જેને પાકિસ્તાન દ્વારા ‘અસના’ નામ આપવામાં આવ્યું હતું. જો કે આ વવાઝોડાની ગુજરાત પર નહિવત ગંભીર અસરો હોવાથી વધુ ચિંતાનો વિષય નહોતો. કચ્છ તરફ આવી રહેલ ‘અસના’ વાવાઝોડું કચ્છને સ્પર્શીને પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે. આથી ગુજરાતને હવે વાવાઝોડાનું સંકટ ટળ્યું છે.
હાલ ગુજરાતના કચ્છ તરફ આવી રહેલું ‘અસના’ વાવાઝોડું કચ્છને સ્પર્શીને પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે. ચક્રવાત તેની વર્તમાન સ્થિતિએ પાકિસ્તાનના કરાંચીથી 160 કિમીના અંતરે છે જ્યારે નલિયાની પશ્ચિમમાં 170 કિમી અને ભુજથી તે 240 કિમી આગળ છે. હવે આ વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જો કે આ વાવાઝોડાના લીધે કચ્છ સહિત દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવનની અસરો દેખાઈ હતી.
બંગાળની ખાડી પર સર્જાયેલ સિસ્ટમ આગળ વધીને લો-પ્રેશરમાં પરિવર્તિત થઈ હતી. જે આગળ વધીને મધ્યપ્રદેશ પહોંચ્યા બાદ ડિપ્રેશનમાં ફેરવાય હતી અને ત્યાંથી રાજસ્થાનમાં પહોંચીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ હતી. ગુજરાતમાં આ સિસ્ટમનાં પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓમાં વરસાદી આફત વરસી રહી હતી.
અસના વાવાઝોડાને ગંભીર વાવાઝોડા કરતાં દુર્લભ વાવાઝોડાની કક્ષામાં મૂકવામાં આવ્યું હતું કારણ કે તે જમીન પરથી દરિયામાં આવીને વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. વળી આ વાવાઝોડાથી 48 વર્ષ બાદ રેકોર્ડ નોંધાવ્યો હતો. આ પહેલા છેક વર્ષ 1976 ના વર્ષે આવું વાવાઝોડું સર્જાયું હતું. છેલ્લા 80 વર્ષમાં આવા કુલ ત્રણ જ વાવાઝોડા સર્જાયા છે.