નેશનલ

સાયબર ક્રાઇમ અને ક્રિપ્ટો કરન્સી ભાવિ માટે મુખ્ય પડકાર: મોદી

અમેરિકા, રશિયા, ફ્રાંસ દ્વારા ભારતના પ્રમુખપદના વખાણ કરાયા

નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ની સલામતી સમિતિના વિસ્તરણની જરૂરિયાત પર રવિવારે ભાર આપ્યો હતો અને સાયબર ક્રાઇમ તેમ જ ક્રિપ્ટો કરન્સીને ભાવિના મુખ્ય પડકાર ગણાવ્યા હતા, જ્યારે ભારતના પ્રમુખપદ હેઠળ જી-૨૦ દ્વારા કરાયેલા કાર્યની અમેરિકા, રશિયા, ફ્રાંસ સહિતના સભ્ય દેશોએ પ્રશંસા કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે ભારતના જી-૨૦ના પ્રમુખપદનો કાર્યકાળ ૩૦ નવેમ્બરે પૂરો થશે અને હવે તેના માટે અઢી મહિના બાકી છે. અમે વિશ્ર્વમાં શાંતિ સ્થાપવાની આશા રાખીએ છીએ.
મોદીએ ‘ભાવિ કામગીરી’ અંગેના જી-૨૦ના સત્રને સંબોધતા જણાવ્યું હતું કે વિવિધ વૈશ્ર્વિક સંગઠનોએ ‘નવી હકીકત’ને સ્વીકારીને વધુ સારા ભવિષ્યની દિશામાં આગળ વધવું જોઇએ. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતીની સમિતિને વિસ્તારવાની પણ જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના થઇ ત્યારે વિશ્ર્વ હાલની સરખામણીમાં ઘણું જ અલગ હતું. પ્રારંભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ૫૧ સ્થાપક સભ્ય દેશ હતા, જ્યારે હાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોની સંખ્યા વધીને અંદાજે ૨૦૦ થઇ ગઇ છે. આમ છતાં, સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના કાયમી સભ્યોની સંખ્યા નથી વધારાઇ. વિશ્ર્વમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પરિવહન, દૂરસંચાર, આરોગ્ય અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રે પ્રગતિ થઇ છે. નવી હકીકતને ધ્યાનમાં રાખીને વૈશ્ર્વિક સંગઠનોના માળખામાં પણ જરૂરી ફેરફાર થવા જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે જી-૨૦માં ૫૫ દેશના આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ આપીને આ વૈશ્ર્વિક સંગઠનનું વિસ્તરણ કરાયું છે. આ રીતે વિશ્ર્વ બૅન્ક અને અન્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સંગઠનના કાર્યક્ષેત્રનું વિસ્તરણ થવું જરૂરી છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે સાયબર સિક્યોરિટી અને ક્રિપ્ટો કરન્સીના મુદ્દા વિશ્ર્વના હાલના અને ભાવિ માટે જોખમી સાબિત થઇ શકે છે.
જી-૨૦ના સભ્ય દેશોના નેતાઓએ બે દિવસની બેઠકને અંતે બહાર પાડેલા ૩૭ પાનાંના ઘોષણાપત્રમાં રશિયાની યુક્રેનમાંની ઘૂસણખોરીનો સીધો ઉલ્લેખ નહોતો કરાયો, પરંતુ એકબીજાના દેશની ભૌગોલિક અખંડતા અને સ્વાયત્તતા જાળવી રાખવા માટે સામાન્ય હાકલ કરાઇ હતી.
જી-૨૦ના ઘોષણાપત્રમાં બધા મુદ્દે સર્વસંમતિ સધાઇ હતી અને તેથી આ ઘોષણાપત્રને ભારતનો મોટા રાજદ્વારી વિજય સમાન ગણવામાં આવે છે.
અમેરિકાના પ્રમુખ જૉ બાઇડને નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આ શિખર પરિષદે સાબિત કરી બતાવ્યું છે કે બધા દેશો સાથે મળીને વૈશ્ર્વિક સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.
બાઇડન અને જી-૨૦ના સભ્ય દેશના અન્ય નેતાઓએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અમેરિકાના પ્રમુખે વિયેટનામ જવા માટે રવાના થતાં પહેલાં ‘એક્સ’ પર પૉસ્ટ કર્યું હતું કે દુનિયા વિવિધ આર્થિક પડકારનો સામનો કરી રહી છે અને પર્યાવરણમાંના ફેરફાર તેમ જ સંઘર્ષને કારણે ઊભી થયેલી સમસ્યાનો જી-૨૦ના સભ્ય દેશો સાથે મળીને ઉકેલ શોધવા સક્ષમ હોવાનું પુરવાર થયું છે.
રશિયાના વિદેશ પ્રધાન સર્ગેય લાવ્રોવે જણાવ્યું હતું કે ભારતના પ્રમુખપદ હેઠળ ‘જી-૨૦’ની યોજાયેલી શિખર પરિષદે સાબિત કર્યું છે કે આ સંગઠન વિવિધ વૈશ્ર્વિક પડકારનો સાથે મળીને સામનો કરવા માટે અને સર્વમાન્ય ઉકેલ શોધી શકે છે.
ફ્રાંસના પ્રમુખ એમેન્યુલ મેક્રોને મોદી સાથે બપોરનું ભોજન લીધા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે વિશ્ર્વમાં જ્યારે વિવિધ દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે અને આર્થિક તેમ જ અન્ય પડકાર ઊભા થયા છે, એવા સંજોગમાં ભારતના પ્રમુખપદ હેઠળ જી-૨૦ દ્વારા ઘણી સારી કામગીરી કરાઇ છે. (એજન્સી)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત