દેશની સુરક્ષા માટે સાયબર હુમલા ખતરોઃ રાષ્ટ્રપતિની ચેતવણી
નવી દિલ્હીઃ સાયબર હુમલા રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો બની ગયા છે. નાગરિક સેવાઓ અને સશસ્ત્ર દળોએ સાથે મળીને એક સુરક્ષા વ્યવસ્થા બનાવવાની જરૂર છે જેથી કરીને આ હુમલાઓને રોકી શકાય, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે જણાવ્યું હતું. દેશની સુરક્ષા માત્ર સરહદોની સુરક્ષા પૂરતી સીમિત નથી. પરંતુ અર્થતંત્ર, પર્યાવરણ, ઉર્જા અને સાયબર સુરક્ષા જેવા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ તેમાં સામેલ છે.
રાષ્ટ્રપતિ ભવન ખાતે મુર્મૂએ નેશનલ ડિફેન્સ કોલેજના ફેકલ્ટી અને સભ્યોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ચિંતાઓને દૂર કરવા માટે સઘન સંશોધનની જરૂર છે અને આ મુદ્દાઓનો સામનો કરવા માટે એક સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવવો પડશે.
રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે સાયબર હુમલાનો સામનો કરવા માટે હાઇ ટેકનોલોજી હસ્તક્ષેપ અને મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. સાથે જ ટ્રેનિંગ અને એક્સપર્ટ્સ માણસોની પણ જરૂરી છે.
આ પણ વાંચો : કાશીમાં સાંઇ મંદિરને લઈને વિવાદ: તમામ મંદિરોમાંથી હટાવાઇ મૂર્તિ
તેમણે વધુમાં કહ્યું કે, આ મુદ્દો દેશના શાસન માળખાને અસર કરે છે. નાગરિક સેવાઓ અને સશસ્ત્ર દળોએ સાથે મળીને આ જોખમને રોકવા માટે એક મજબૂત વ્યવસ્થા ઊભી કરવી પડશે. મુર્મુએ એમ પણ કહ્યું કે ગવર્નન્સ સિસ્ટમ્સમાં મોટી માત્રામાં ડેટા અને સંવેદનશીલ માહિતી ઉપલબ્ધ છે, જેને અસુરક્ષિત છોડી શકાય નહીં. તેમણે કહ્યું કે આ મુદ્દાની ગંભીરતાને સમજીને નક્કર પગલાં લેવાની જરૂર છે.
રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે સશસ્ત્ર દળોની ભૂમિકા પરંપરાગત લશ્કરી બાબતોથી આગળ વધી ચૂકી ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે અલગ-અલગ સંસ્થાઓ અને વિભાગો અલગ-અલગ કાર્યો કરે છે, જેના કારણે લક્ષ્યાંક હાંસલ કરવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. તેમણે કહ્યું કે આ કોર્સનો ઉદ્દેશ્ય અધિકારીઓને સહકાર અને કાર્યક્ષમતા વધારવા માટે તૈયાર કરવાનો છે.
તેમણે કહ્યું કે ઝડપથી બદલાતા વૈશ્વિક ભૂ-રાજકીય વાતાવરણમાં ઘણા પડકારો છે. અધિકારીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સાયન્સ જેવી ટેક્નોલોજીના ઝડપી વિકાસ સાથે ગતિ જાળવી રાખવાની આવશ્યકતા છે.