મિર્ઝાપુરમાં CRPF જવાનને કાવડિયાઓએ માર માર્યો, હુમલા બાદ 5-7 કાવડિયાઓની અટકાયત | મુંબઈ સમાચાર
નેશનલ

મિર્ઝાપુરમાં CRPF જવાનને કાવડિયાઓએ માર માર્યો, હુમલા બાદ 5-7 કાવડિયાઓની અટકાયત

મીર્ઝાપુર: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર કાંવડ યાત્રા પર નીકળેલા કેટલાક યુવકોએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક જવાનને ખરાબ રીતે માર માર્યો હોવાની ઘટના ઘટી હતી. જેના કારણે રેલ્વે સ્ટેશન પર અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટના તે સમયે બની જ્યારે જવાન બ્રહ્મપુત્ર એક્સપ્રેસ પકડવા માટે ટિકિટ લઈ રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, ટિકિટ લેતી વખતે જવાનની કેટલાક કાવડિયાઓ સાથે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી હિંસક અથડામણમાં બદલાઈ ગઈ હતી અને કાવડિયાઓએ જવાન પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી સ્ટેશન પર ખૂબ હોબાળો મચી ગયો હતો અને મુસાફરોમાં ભય ફેલાયો હતો. હાલ આ મામલે વધુ માહિતી અને પોલીસ કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે.

આપણ વાંચો: ‘કાંવડિયાઓને આતંકી કહીને બદનામ કરવાનો પ્રયાસ’: કાંવડ યાત્રા અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ…

રેલવે સ્ટેશન પર CRPF જવાન પર થયેલા હુમલા બાદ, રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મારપીટમાં સામેલ 5 થી 7 કાવડિયાઓની અટકાયત કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ આરોપીઓ વિરુદ્ધ સરકારી કર્મચારી સાથે મારપીટ, અભદ્રતા અને શાંતિ ભંગ કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાના વિડીયો ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ખાતરી આપી છે કે આવી ઘટનાઓને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે અને રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button