CRPF એ લીધો મોટો નિર્ણયઃ તમામ ટ્રાન્સફર, પોસ્ટિંગ અને ટ્રેનીંગ સેશન મુલતવી…

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાન સામે કરેલા ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાનના દ્વારા ભારત પર હુમલા કરવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન આર્મ્ડ ફોર્સીઝ સતર્ક છે. એવામાં સેન્ટ્રલ રિઝર્વડ પોલીસ ફોર્સ(CRPF) એ મોટો નિર્ણય લીધો છે. CRPFએ ટ્રાન્સફર અને પોસ્ટિંગના તમામ ઓર્ડર મોકૂફ રાખ્યા છે અને કર્મચારીઓ માટે ટ્રેનીંગ સેશન્સ પણ મુલતવી રાખ્યા છે.
નોંધનીય છે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સે(BSF) અને સેનાની સાથે બોર્ડર પર સુરક્ષા માટે બે ડઝનથી વધુ CRPF કંપનીઓ( =2,400 CRPF) કર્મચારીઓને જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત કર્યા છે. એવામાં CRPF મુખ્યાલયે સૂચના આપી છે કે તમામ ટ્રાન્સફર અને પોસ્ટિંગ સ્થગિત કરવામાં આવે. ભારતની પશ્ચિમ અને ઉત્તરીય સરહદો પર ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિને કારણે કર્મચારીઓને તેમના વર્તમાન સ્થાનો પર જ રહેવાની જરૂર છે.
અમિત શાહે આપ્યા આદેશ:
નોંધનીય છે કે બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તમામ અર્ધલશ્કરી દળોના વડાઓને પાકિસ્તાન અને નેપાળની સરહદે આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચોકીઓને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યા હતાં, ત્યાર બાદ CRPFના જવાનોને જમ્મુ અને કાશ્મીર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
CRPFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેટલીક બટાલિયનો પહેલાથી જ રવાના થઈ ગઈ છે.
CRPFના એક અધિકારીએ જણાવ્યું હતું, “અમે સરહદી ચોકીઓને મજબૂત કરવા અને ખીણમાં વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત રાજ્ય પોલીસ સાથે સંકલન કરવા માટે આ વધારાની બટાલિયનો મોકલી છે. અમે તમામ યુનિટ કમાન્ડરોને તેમના વિસ્તારમાં રહેવા અને બદલાતી પરિસ્થિતિથી વાકેફ રહેવા અને સૈનિકો અને લોજિસ્ટિક્સની બિનજરૂરી હિલચાલને રોકવા માટે સંબંધિત તમામ એજન્સીઓ સાથે સંકલન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.”