બાંગ્લાદેશના કાલી માતાના મંદિરમાંથી મુગટની ચોરીનો Video Viral, PM Modiએ ભેટ આપ્યો હતો…
ઢાકાઃ બાંગ્લાદેશમાં આ વખતે પણ દુર્ગા પૂજાના તહેવાર નિમિત્તે હિંદુ સમુદાયમાં ડરનો માહોલ છે, જ્યારે કડક સુરક્ષા વચ્ચે મંદિરો અને પંડાલોમાં દુર્ગાપૂજાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે તાજેતરમાં શ્યામનગર સ્થિત પ્રસિદ્ધ જશોરેશ્વરી મંદિરમાંથી કાલી માતાના મુગટની ચોરી કરવામાં આવી છે, જ્યારે તેનો વીડિયો પણ વાઈરલ થયો છે.
સીસીટીવી ફૂટેજથી ચોરની થશે ઓળખ
ગુરુવારે બપોરે બે વાગ્યાથી અઢી વાગ્યાના વચ્ચે પૂજારી મંદિરમાંથી જતા મુગટની ચોરી કરવામાં આવી હતી. પૂજારી દિલીપ મુખરજી દિવસે પૂજા કર્યા પછી ઘરે ગયા હતા, ત્યાર બાદ સફાઈ કર્મચારીએ જોતા માતાના માથા પરથી મુગટ ગાયબ હતો. શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તાઈજુલ ઈસ્લામે જણાવ્યું કે ચોરની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
51 શક્તિપીઠ પૈકીનું એક મંદિર
ચોરી કરવામાં આવેલો મુગટ ચાંદીનો છે, જ્યારે એના ઉપર સોનાની વરખ ચઢાવવામાં આવ્યો છે. આ મંદિરનું સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે વિશેષ મહત્ત્વ છે. હિંદુ માન્યતા અનુસાર જશોરેશ્વરી મંદિર ભારત અને પડોશી દેશમાં આવેલી 51 શક્તિપીઠ પૈકીનુ એક છે. જશોરેશ્વરી નામનો અર્થ જશોરની દેવી છે.
કાલી માતાને સમર્પિત છે મંદિર
જશોરેશ્વરી મંદિર કાલી માતાને સમર્પિત છે. આ મંદિર સતખીરાના ઈશ્વરપુર ગામમાં આવેલું છે. બારમી સદીમાં અનારી નામના એક બ્રાહ્મણે મંદિરનું નિર્માણ કર્યું હતું. જશોરેશ્વરી પીઠ (મંદિર) માટે 100 દરવાજાવાળું મંદિર બનાવ્યું હતું, ત્યારબાદ 13મી સદીમાં લક્ષ્મણ સેન નામના ભક્તએ મંદિરનું નવીનીકરણ કર્યું હતું. રાજા પ્રતાપાદિત્યએ 16મી સદીમાં પુનર્નિમાણ કર્યું હતું.
2021માં મોદી બાંગ્લાદેશ ગયા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ, 2021માં બાંગ્લાદેશની મુલાકાત વખતે મંદિરને મુગટની ભેટ આપી હતી. 2021માં જશોરેશ્વરી મંદિરની પણ મુલાકાત લીધી હતી અને માતાજીને મુગટ પહેરાવ્યો હતો. સવારે પીએમ મોદીએ મંદિરના પ્રવાસ વખતે એક વીડિયો પણ શેર કર્યો હતો, જે કોવિડ મહામારી પછી વિદેશનો સૌથી પહેલો પ્રવાસ હતો.