પાક. પોલીસે ૧૦ આતંકવાદીની ધરપકડ કરી
લાહોર: પાકિસ્તાનના પંજાબની આતંકવાદ વિરોધી પોલીસે શનિવારે પ્રાંતમાં અલ-કાયદા સહિત વિવિધ પ્રતિબંધિત સંગઠનોના ૧૦ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરીને પ્રાંતમાં “મોટું આતંકવાદી કાવતરું” નિષ્ફળ કરવાનો દાવો કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે તેમણે આ સપ્તાહ દરમિયાન પંજાબના વિવિધ જિલ્લાઓમાં ૧૧૭ ગુપ્ત માહિતી આધારિત ૧૧૭ ઓપરેશન હાથ ધર્યા હતા, જેમાં ૧૧૭ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને ૧૦ આતંકવાદીની હથિયારો, વિસ્ફોટકો અને અન્ય પ્રતિબંધિત સામગ્રી સાથે ધરપકડ કરવામાં આવી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પ્રતિબંધિત સંગઠનો દાએસ (આઇએસઆઇએસ), અલ કાયદા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (તિતિપી), લશ્કર-એ-ઝાંગવી અને ૩૧૩ બ્રિગેડ આતંકવાદી જૂથના છે.
આ આતંકવાદીઓની ધરપકડ લાહોર, રહીમ યાર ખાન, સરગોઘા અને બહાવલપુરમાં કરવામાં આવી હતી. આતંકીઓના કબજામાંથી બે આઇઇડી, બોમ્બ, એક હેન્ડ ગ્રેનેડ, ત્રણ ડિટોનેટર, ૧૧ ફૂટ સેફ્ટી ફ્યુઝ વાયર, પ્રતિબંધિત સાહિત્ય અને રોકડ મળી આવી હતી. પોલીસે તેમની સામે આઠ ગુના નોંધી વધુ તપાસ માટે તેમને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે.