નેશનલ

પાક. સામે ભારત ‘અજેય’ ભારતમાં વિશ્ર્વ કપ જીત્યા જેવો માહોલ

અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ ૨૦૨૩ની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હાર આપી હતી. આ સાથે ભારત વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે અત્યાર સુધી અજેય રહ્યું છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન આઠ વખત સામ સામે ટકરાયા છે અને એ તમામ મેચમાં ભારતનો વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ
૪૨.૫ ઓવરમાં ૧૯૧ રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે ૩૦.૩ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૨ રન કરી મેચ જીતી લીધી હતી.

પાકિસ્તાન તરફથી મળેલા ૧૯૨ રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. શુભમન ગિલ ૧૧ બોલમાં ૧૬ રન કરી આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. કોહલીએ રોહિત સાથે મળીને બીજી વિકેટ માટે ૫૬ રનની ભાગીદારી કરી હતી.

વિરાટ આ મેચમાં કંઇ ખાસ કરી શક્યો નહોતો. તે ૧૮ બોલમાં ૧૬ રન કરી આઉટ થયો હતો. શ્રેયસે કેપ્ટન રોહિત શર્મા સાથે ત્રીજી વિકેટ માટે ૭૭ રનની ભાગીદારી કરી હતી. રોહિત ૬૩ બોલમાં ૮૬ રન કરી પેવેલિયન પરત ફર્યો હતો.

રોહિત શર્માના આઉટ થયા બાદ શ્રેયસ ઐય્યરે કેએલ રાહુલ સાથે મળીને મેચમાં જીત અપાવી હતી. બન્નેએ ચોથી વિકેટ માટે અણનમ ૩૬ રનની ભાગીદારી કરી હતી. ઐય્યર ૫૩ રન જ્યારે કેએલ રાહુલ ૧૯ રન કરી અણનમ પરત ફર્યા હતા. પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ બે અને હસન અલીએ એક વિકેટ ઝડપી હતી.

અગાઉ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ ૪૨.૫ ઓવરમાં ૧૯૧ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને જીતવા માટે ૧૯૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ ૨-૨ વિકેટ લીધી હતી. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે અડધી સદી ફટકારી હતી. મોહમ્મદ રિઝવાને ૪૯ રન ફટકાર્યા હતા.

પાકિસ્તાન સારી શરૂઆતનો ફાયદો ઊઠાવી શક્યું નહોતું. પાકિસ્તાને પ્રથમ વિકેટ ૪૧ રન પર ગુમાવી હતી. શફીક ૨૦ રન કરી આઉટ થયો હતો. આ પછી ઈમામ ઉલ હક ૩૬ રન કરીને આઉટ થયો હતો. ઈમામ અને શફીકના આઉટ થયા બાદ બાબર આઝમ અને રિઝવાને સારી ભાગીદારી કરી હતી પરંતુ ટીમ તેનો ફાયદો ઊઠાવી શકી નહોતી. બાબરે ૫૮ બોલમાં ૫૦ રન કર્યા હતા. બાબર અને રિઝવાનના આઉટ થયા બાદ ટીમ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ઈફ્તિખાર અહમદ ૪, શાદાબ ખાન ૨, હસન અલી ૧૨ રન કરી આઉટ થયા હતા.

એક સમયે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે ૧૫૫ રન હતો પણ પછી ધબડકો થથાં ૧૯૧ રન પર તેમનો દાવ સમેટાઈ ગયો હતો.

ટીમ ઈન્ડિયા તરફથી પાંચ બોલરોએ બે-બે વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરને કોઇ સફળતા મળી નહોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button