ST વિરુદ્ધ અપરાધના કિસ્સાઓ 10 હજારથી વધીને 12,960 થયા, આ રાજ્ય ટોચના સ્થાને | મુંબઈ સમાચાર
નેશનલ

ST વિરુદ્ધ અપરાધના કિસ્સાઓ 10 હજારથી વધીને 12,960 થયા, આ રાજ્ય ટોચના સ્થાને

નવી દિલ્હી: આઝાદીના 78 વર્ષો બાદ પણ દેશના સૌથી દબાયેલા-કચડાયેલા સમુદાયો વિરુદ્ધ અપરાધોમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓ આ વાતની પુષ્ટિ કરે છે. NCRBના તાજેતરના અહેવાલ અહેવાલ મુજબ, દેશભરમાં અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના લોકો વિરુદ્ધના અપરાધના કિસ્સાઓમાં લગભગ 29 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2022ની તુલનામાં 2023માં અનુસૂચિત જનજાતિઓ વિરુદ્ધના અપરાધોના કિસ્સાઓમાં 28.8 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 2023માં ST સમુદાય વિરુદ્ધ દેશભરમાં કુલ 12,960 કેસ નોંધાયા હતા, જ્યારે 2022માં આ સંખ્યા 10,064 હતી. NCRBના અહેવાલમાં મણિપુરને આ મામલે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય ગણાવ્યું છે, જ્યાં મે 2023થી મૈતેઈ અને કુકી-ઝો સમુદાયો વચ્ચેની જાતિગત હિંસાની આગ હજી પણ સળગી રહી છે. રિપોર્ટ મુજબ, મણિપુરમાં ST સમુદાય વિરુદ્ધ 3,399 કેસ નોંધાયા હતા. જેની સરખામણીમાં, 2022માં આવા કેસોની સંખ્યા માત્ર એક હતી અને 2021માં કોઈ કેસ નોંધાયો નહોતો.

મણિપુરમાં 2023માં નોંધાયેલા ST વિરુદ્ધના અપરાધોમાં લૂંટના 260 કેસ, આગચંપીના 1,051 કેસ, જાણી જોઈને અપમાનિત કરવાના ઈરાદાથી ધમકીના 203 કેસ, અને STને સંબંધિત જમીન પર કબજાના 193 કેસનો સમાવેશ થાય છે. જેની તુલનામાં, અનુસૂચિત જાતિઓ (SC) વિરુદ્ધના અપરાધોમાં માત્ર 0.4%નો નજીવો વધારો જોવા મળ્યો હતો.

રાજ્યવાર આંકડાઓની વાત કરીએ તો, મણિપુર પછી મધ્ય પ્રદેશ બીજા ક્રમે છે, જ્યાં ST સમુદાય વિરુદ્ધ અપરાધના 2,858 કેસ નોંધાયા હતા. 2022માં આ સંખ્યા 2,979 અને 2021માં 2,627 હતી. ત્રીજા સ્થાને રાજસ્થાન હતા, જ્યાં 2023માં 2,453 કેસ નોંધાયા હતા, જે 2022ના 2,521 કેસથી ઓછા હતા, પરંતુ 2021માં નોંધાયેલા 2,121 કેસથી વધુ હતા.

NCRBના 2023ના આંકડાઓ પરથી એ પણ જાણવા મળ્યું છે કે તે વર્ષે મહિલાઓ વિરુદ્ધ અપરાધના કુલ 4,48,211 કેસ નોંધાયા હતા, જે 2022ના 4,45,256 કેસની તુલનામાં 0.7%ની વૃદ્ધિ દર્શાવે છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધ હેઠળના મોટાભાગના કેસ પતિ અથવા સંબંધીઓ દ્વારા ક્રૂરતા હેઠળ નોંધાયા, જેની સંખ્યા 1,33,676 (29.8 ટકા) હતી. ત્યારબાદ મહિલાઓના અપહરણના 88,605 કેસ (19.8 ટકા) અને શીલ ભંગ કરવાના ઈરાદાથી મહિલાઓ પર હુમલાના 83,891 કેસ નોંધાયા હતા.

આપણ વાંચો:  બે વર્ષ સુધી એકાઉન્ટ વપરાયા વિના રહેશે તો શું થશે? તમારા પૈસા સેફ છે કે નહીં?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button