નેશનલ

ના ગોળી-બંદૂક, ના છરી-તલવાર અને ચારની હત્યા, આ લેડી સિરિયલ કિલર કરતી હતી ‘ઝેરી મિત્રતા’!

મહિલાઓને સામાન્ય રીતે પ્રેમ અને દયાની મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે, પણ આપણે અહીં એક એવી ઘટનાની વાત કરવાની છે જેનાથી મહિલાઓ માટેની આવી માન્યતા ભાંગીને ભૂક્કો થઇ જશે. આ વાત આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાની છે. અહીં પોલીસે સિરિયલ કિલરને પકડી લીધી છે. નવાઈની વાત એ છે કે સિરિયલ કિલર મહિલાઓ છે. આ અપરાધી મહિલાઓ પીડિતોને ઝેર આપા મોતને ઘાટ ઉતારતી હતી અને પછી લૂંટ કરતી હતી.

આંધ્રપ્રદેશના તેનાલી ગુંટુર જિલ્લામાં આ સનસનીખેજ ઘટના બની છે. અહીં ચાર લોકોની હત્યાના આરોપમાં ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. હત્યા કરાયેલા લોકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે આ હત્યાઓ સાઈનાઈડયુક્ત પીણું પીવડાવીને કરવામાં આવી છે. આ મહિલાઓ સોનાના દાગીના અને રોકડ લઈ જતા લોકોને નિશાન બનાવતી, પહેલા તેમની સાથે મિત્રતા કરતી અને પછી ઝેરી પીણું પીવડાવીને મારી નાખતી. આ ગુનાની મુખ્ય આરોપી મહિલા કંબોડિયામાં સાયબર ક્રાઈમમાં સંડોવાયેલી છે.

મહિલાઓની ઓળખ 40 વર્ષીય મુંગપ્પા રજની, 32 વર્ષીય મડિયાલા વેંકટેશ્વરી અને 60 વર્ષીય ગુલારા રામનમ્મા તરીકે થઈ છે. પોલીસનું કહેવું છે કે આ મહિલાઓ સોનાના દાગીના અને રોકડ રાખતા લોકોને નિશાન બનાવતી હતી. આ મહિલાઓએ પહેલા લોકો સાથે દોસ્તી કરતી હતી અને પછી તેમને સાઈનાઈડ યુક્ત પીણું પીવડાવી મારી નાખતી હતી. જ્યારે તેઓ મરી જાય ત્યાર બાદ તેઓ મૃતકોની કિંમતી વસ્તુઓ સાથે લઇને ભાગી જતી હતી.|

અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ મહિલાઓએ ચાર લોકોની હત્યા કરી છે. આ સિવાય આ મહિલાઓએ અન્ય બે લોકોને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ કોઈક રીતે બચી ગયા હતા.

ધરપકડ કરાયેલી મહિલાઓમાં હત્યાની મુખ્ય આરોપી મડિયાલા વેંકટેશ્વરી અગાઉ ચાર વર્ષ વોલેન્ટિયર તરીકે કામ કરતી હતી. આ પછી તે ગેરકાયદે પૈસા કમાવવા કંબોડિયા ગઈ હતી, જ્યાં તે સાયબર ક્રાઈમ કરવા લાગી હતી. પોલીસે મહિલાઓ પાસેથી સાઈનાઈડ અને અન્ય મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. આ સિવાય લોકોને મારવા માટે વાપરવામાં આવેલું સાઈનાઈડ પણ જપ્ત કર્યું છે. આ સીરિયલ કિલર મહિલા તેના એક મિત્ર પાસેથી સાઈનાઈડ મેળવતી હતી. તે એસી મિકેનિક છે અને તે સોનાના ઉત્પાદકો પાસેથી સાઈનાઈડ લેતો હતો. પોલીસે તેની પણ ધરપકડ કરી છે. પોલીસે આરોપીના કબજામાંથી સાઈનાઈડ અને અન્ય પુરાવા કબજે કર્યા છે.

પોલીસે જણાવ્યું છે કે ધરપકડ કરાયેલી મહિલાઓએ ગુનો કબૂલી લીધો છે. આ મહિલાઓ વિરુદ્ધ હત્યા, ચોરી, પુરાવાનો નાશ, ગુનાહિત કાવતરું વગેરે આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને પોલીસે લોકોને સાવધ કર્યા છે અને અજાણ્યા લોકો સાથે ઝડપથી મિત્રતા ન કરવા અને સતર્ક રહેવાની સલાહ આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button