ઉત્તરાખંડના બાગેશ્વરના ગામોમાં ઘરોમાં પડી તિરાડોઃ સ્થાનિકોએ પથ્થરોની ખાણોને ઠેરવી જવાબદાર…
પિથૌરાગઢઃ ઉત્તરાખંડના કુમાઉ પ્રદેશના બાગેશ્વર જિલ્લામાં બે ડઝનથી વધુ ઘરોની છત અને દિવાલોમાં તિરાડો પડવાના કારણે લોકો ચિંતિત થયા હતા. આ ઘટનાએ દોઢ વર્ષ પહેલાં જોશીમઠમાં થયેલા ભૂસ્ખલનની યાદ અપાવી હતી.
સ્થાનિક લોકો સમયાંતરે ભૂસ્ખલન વધવાની પાછળ આ વિસ્તારમાં મોટા પાયે થઇ રહેલા ખનન અને કોન્ટ્રાક્ટરો દ્વારા ખાણકામ માટે ખોદવામાં આવેલા ખાડાઓને એમ જ છોડી દેવાને માને છે. આ કોન્ટ્રાક્ટરો વારંવાર બ્લાસ્ટિંગ અને જેસીબી જેવા ભારે મશીનોનો ઉપયોગ કરીને ખાણકામના નિયમોનું ઉલ્લંઘન કરે છે.
બાગેશ્વરના જિલ્લા ખનન અધિકારી જિજ્ઞાસા બિષ્ટે કેટલાક મકાનોમાં તિરાડો પડી હોવાની ફરિયાદો બાદ એક ભૂસ્તરશાસ્ત્રી અને કેટલાક મહેસૂલ અધિકારીઓ સાથે 3 સપ્ટેમ્બરે ગામની મુલાકાત લીધી હતી.
બિષ્ટે કહ્યું હતું કે “બે વર્ષ પહેલાં આ વિસ્તારમાં ખાણકામ બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કાંડા ગામમાં અમને ઓછામાં ઓછા સાત-આઠ ઘરો મળ્યા જેની દિવાલો અને છતમાં હજુ પણ તિરાડો છે.” બાગેશ્વર કલેક્ટર કચેરી ખાતે આયોજિત જનતા દરબારમાં સ્થાનિક લોકોએ આ મુદ્દો ઉઠાવતાં વહીવટીતંત્રનું ધ્યાન આ તરફ ગયું હતું. જો કે, તેમણે કહ્યું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે હજુ સુધી જિલ્લામાં આવી કોઈ ઘટનાની નોંધ લીધી નથી.
ખાણ ખનિજ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં જ્યાં ખાણકામ ચાલી રહ્યું છે તેને અડીને આવેલા 25 થી વધુ ગામોના ઘરોમાં તિરાડો દેખાઈ રહી છે.અહીંના મોટાભાગના ગામો એવા છે કે જેમના રહેવાસીઓએ ખાણકામ માટે એનઓસી પ્રમાણપત્ર આપ્યા હતા. સ્થાનિક ઘનશ્યામ જોશીએ જણાવ્યું હતું કે જિલ્લાના કુલ 402 ગામોમાંથી 100થી વધુ ગામો ધીમે ધીમે ભૂસ્ખલનના ભયનો સામનો કરી રહ્યા છે.
બાગેશ્વરના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી શિખા સુયલના જણાવ્યા અનુસાર, બાગેશ્વરના 11 ગામોના 131 થી વધુ પરિવારોની ઓળખ કરવામાં આવી છે જેમને પુનર્વસનની જરૂર છે કારણ કે તેમની વસાહતો જોખમમાં છે. તેમણે કહ્યું કે, ‘આવા ગામોનો વધુ સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.’
સ્થાનિક લોકોની ફરિયાદો મળ્યા બાદ સંબંધિત વિભાગના અધિકારીઓએ કપકોટ બ્લોકના કાલિકા મંદિરની પણ મુલાકાત લીધી હતી. જો કે, તેમને ત્યાં ખાણકામના નિયમોના ઉલ્લંઘનનો કોઈ કેસ મળ્યો નથી.
જિજ્ઞાસાએ કહ્યું, “કપકોટના કાલિકા મંદિર વિસ્તારની ખાણો બે વર્ષ પહેલા બંધ થઈ ગઈ હતી પરંતુ ત્યાંના ઘરોમાં હજુ પણ તિરાડો દેખાઈ રહી છે.” કપકોટના ધારાસભ્ય અને બીજેપીના વરિષ્ઠ નેતા બળવંત ભૌર્યાલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સોપસ્ટોન ખનન ખાણકામ માટે ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા ખેતરોમાં થાય છે.
બાગેશ્વરના સનેતી વિસ્તારમાં આવેલી એક ખાણના માલિક ભૌર્યાલે કહ્યું, ‘ગામવાસીઓની ઈચ્છા વિરુદ્ધ ખાણકામ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. એક સમયે જિલ્લામાં સાબુના પથ્થરની 121 ખાણો હતી જ્યારે હાલમાં તેમાંથી માત્ર 50 જ અસ્તિત્વમાં છે.