હાર્ટ એટેકના કેટલા સમય પછી CPR આપવાથી જીવ બચી શકે?, જાણો હેલ્થ ટિપ્સ

ગુજરાત સહિત અન્ય રાજ્યમાં હાર્ટ એટેકેના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનું કારણ છે. દેશમાં ખાસ કરીને છેલ્લા ૧૦ દિવસમાં બનેલી બે ઘટનાઓને કારણે ફરી એકવાર સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) પર ચર્ચા શરુ થઈ છે. પ્રથમ ઘટના આગ્રા કેન્ટ જીઆરપી પોલીસ સ્ટેશનની છે, જ્યાં ૧૬ સપ્ટેમ્બરના રોજ હેડ કોન્સ્ટેબલે ૧ મિનિટ સુધી સીપીઆર આપીને એક વૃદ્ધ વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.
બીજી ઘટના દિલ્હીની ધર્મશિલા નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલની છે, જ્યાં કાર્ડિયાક અરેસ્ટથી પીડિત ૬૩ વર્ષીય મહિલાને ૪૫ મિનિટ સુધી સીપીઆર આપીને પુનર્જીવિત કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા ઈટલીમાં લગભગ ૬ કલાક સુધી સતત સીપીઆર આપીને એક વ્યક્તિનો જીવ બચાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે હાર્ટ એટેક આવ્યા પછી કેટલા સમયમાં સીપીઆર આપવાથી જીવ બચાવી શકાય છે. જાણો નિષ્ણાતો પાસેથી જવાબ.
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કેસ સતત વધી રહ્યા છે. આ દિવસોમાં માર્ગ અકસ્માતમાં પણ વધારો થયો છે, આવી સ્થિતિમાં સીપીઆર આપીને દર્દીનો જીવ બચાવી શકાય છે. સીપીઆર અચાનક કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં સંજીવનીનું કામ કરે છે. તેના વિશે માહિતીના અભાવે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે.
નિષ્ણાતોના મતે હાર્ટ એટેક આવ્યા પછી ૫ મિનિટની અંદર સીપીઆર શરૂ કરી દેવો જોઈએ. આના દ્વારા ઓક્સિજન યુક્ત લોહી એટલે કે ઓક્સિજન વહન કરતું લોહી મગજના કોષો સુધી પહોંચતું રહે છે. આને કારણે, મગજના કોષો જીવિત રહે છે અને હૃદયને તેની સામાન્ય સ્થિતિમાં પાછા આવવા માટે સંદેશ આપતા રહે છે. જેના કારણે હૃદયના ધબકારા ફરીથી ચાલુ થાય છે.
આ પણ વાંચો : ત્રીજા ધોરણની છોકરીને આવ્યો ‘હાર્ટ એટેક’, સ્કૂલમાં રમતા રમતા જીવ ગુમાવ્યો
સીપીઆર એ જીવન સુરક્ષાનું પ્રાથમિક પગલું છે, જેની મદદથી હૃદય અને ફેફસાંને સંપૂર્ણ રીતે જીવંત રાખવામાં આવે છે. આમાં સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં, દર્દીનો પ્રતિભાવ જોવામાં આવે છે કે તે જીવિત છે કે બેભાન છે. જો તે જવાબ ન આપે તો તરત જ તબીબી મદદ લેવી જોઈએ. દર્દી હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધી તેની પલ્સ રેટ તપાસવી જોઈએ. ગળાથી પણ નાડી (કેરોટીડ પલ્સ) તપાસતા રહેવું જોઈએ. આ પલ્સ દર ૧૦ સેકન્ડે ચેક કરવાની હોય છે. જો કેરોટીડ પલ્સ અને શ્વાસ ન મળે તો છાતીને દબાવો. આ પણ સીપીઆર નો એક ભાગ છે.
તાજેતરના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને હૃદયરોગના હુમલાની ૧ મિનિટની અંદર સીપીઆર આપવામાં આવે છે, તો બચવાની શક્યતા ૨૨% છે પણ જો કોઈ વ્યક્તિને ૩૯ મિનિટ પછી સીપીઆર આપવામાં આવે , તો માત્ર ૧% છે. અમેરિકન હાર્ટ એસોસિએશન સાયન્ટિફિક સેશન ૨૦૧૩ માં, એક જાપાની સંશોધકે જણાવ્યું કે દર્દીને ૩૦ મિનિટની અંદર સીપીઆર આપવાથી તેના મગજની કામગીરી સારી રહે છે.
સીપીઆર આપવાની પ્રક્રિયા શું છે?
૧. દર્દીને સખત સપાટી પર સૂવા દો.
૨. દર્દીનું શરીર તમારા ઘૂંટણની નજીક હોવું જોઈએ.
૩.સીપીઆર આપનાર વ્યક્તિના ખભા દર્દીની છાતીની સમાન્તર સ્થતિમાં હોવા જોઈએ.
૪. દર્દીની છાતી વચ્ચે બે હથેળી વડે દબાવો.
૫. સીપીઆર આપનાર વ્યક્તિના બંને હાથ સીધા હોવા જોઈએ.
૬. કમ્પ્રેશન એટલે કે છાતીને ૧ મિનિટમાં ૧૦૦-૧૨૦ વખત દબાવો.
૭. છાતીને ૩૦ વાર દબાવ્યા પછી, મોં દ્વારા બે વાર શ્વાસ આપો. જો તમે મોંથી શ્વાસ આપવા ન માંગતા હો, તો છાતી પર દબાણ ચાલુ રાખો.
૮. છાતીને માત્ર ૨ થી ૨.૪ ઇંચ દબાવો. તેથી તેને મૂળ સ્થિતિમાં આવવામાં સહજતા રહે છે.