COVID-19 Vaccine Scam: પોલીસે રૂ. 15 કરોડના કૌભાંડમાં આરોપીની કરી ધરપકડ, ત્રણ વર્ષથી હતો ફરાર
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબલ્યૂ)એ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં લગભગ ત્રણ વર્ષથી ફરાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી એમ અધિકારીએ આજે જણાવ્યું હતું.
ઇઓડબલ્યૂએ એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપી પ્રફુલ્લ કુમાર નાયકે પોતાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારી તરીકે ઓળખાણ આપીને કોરોના મહામારી દરમિયાન કોવિડ-19 વિરોધી રસીના પરિવહન સંબંધિત વર્ક ઓર્ડર આપવાનું વચન આપીને પીડિતોને છેતરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કેસ 2022માં સુનીલ કૌશિક નામના વ્યક્તિની ફરિયાદ બાદ નોંધવામાં આવ્યો હતો. કૌશિકે આરોપ લગાવ્યો હતો કે કોવિડ-19 વિરોધી રસીના પરિવહન માટે સરકારી કોન્ટ્રાક્ટ મેળવવાના નામે તેની સાથે 4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
એડિશનલ પોલીસ કમિશનર (ઇઓડબલ્યૂ) અમૃતા ગુગુલોથે એક નિવેદનમાં કહ્યું હતું કે “ચાર વધારાની ફરિયાદોએ પણ સમાન મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કર્યો હતો જેમાં આરોપીઓએ પીડિતો પાસેથી સામૂહિક રીતે 15 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી.
Also read: Covid 19: કોરોનાના નવા વેરિયન્ટના કેસ વધતા રેન્ડમ સેમ્પલ સર્વે માટે અપાયો આદેશ
તપાસમાં ખુલાસો થયો હતો કે મે 2021માં આરોપીઓએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મુખ્યાલય નિર્માણ ભવનના પરિસરમાં બેઠક આયોજીત કરીને પીડિતોને લાલચ આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બનાવટી વર્ક ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતા અને મંત્રાલયના ભ્રષ્ટ કર્મચારીના માધ્યમથી સરકારી પરિસરમાં ગેરકાયદેસર પહોંચનો લાભ ઉઠાવીને વિશ્વાસ હાંસલ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે નાયકની મંગળવારે ઇઓડબલ્યૂએ ધરપકડ કરી હતી.
અધિકારીએ કહ્યું હતું કે આ અગાઉ માસ્ટરમાઇન્ડ હરમન સભરવાલ સહિત અન્ય આઠ આરોપીઓની 2022માં ધરપકડ કરવામાં આવી હતી. એક ‘રિસેપ્શન અધિકારી’ અને બે ‘મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ’ સભ્ય સહિત મંત્રાલયના કર્મચારીઓને સંડોવણીના આરોપમાં પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીના પાંડવ નગરના રહેવાસી અને મૂળ ઓડિશાના 48 વર્ષીય નાયકે ગ્રુપને નિર્માણ ભવનમાં પ્રવેશ કરાવવામાં મદદ કરી હતી. તેણે મંત્રાલયના અધિકારી તરીકે પણ ઓળખાણ આપી અને ધરપકડ કરાયેલા આરોપીઓમાંના એક પવન રાયના નેતૃત્વ હેઠળની બે અલગ-અલગ સંસ્થાઓના માધ્યમથી નાણાકીય લેવડદેવડ કર્યા હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.