
ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે કોઈમ્બતૂરમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના જીવંત પ્રસારણ દરમિયાન કથિત રીતે ‘જાહેર ઉપદ્રવ’ કરવા બદલ નોંધાયેલી એક FIRને રદ કરી દીધી હતી. જસ્ટિસ એન. સતીશ કુમારની સિંગલ બેન્ચે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ધાર્મિક આયોજન માટે એકઠા થવું એ ગેરકાયદેસર જમાવડો ગણી શકાય નહીં, સિવાય કે તેમાં કોઈ હિંસા કે ગુનાનો તત્વ શામેલ હોય.
જસ્ટિસ કુમારે જણાવ્યું હતું કે, ફરિયાદી પક્ષના દસ્તાવેજો પરથી એ સાબિત થતું નથી કે આરોપીઓએ બળનો ઉપયોગ કર્યો, કોઈ ગુનો કર્યો કે કોઈના અધિકારોમાં હસ્તક્ષેપ કર્યો. કોર્ટે અવલોકન કર્યું કે, “માત્ર એટલા માટે કે કેટલાક જૂથોએ વાંધો ઉઠાવ્યો, કોઈ ધાર્મિક સભાને ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય નહીં.”
પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીઓએ જાન્યુઆરી 2024માં અયોધ્યા મંદિરમાં યોજાયેલા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ દર્શાવવા માટે કોઈમ્બતૂર સ્થિત એક મંદિરની બહાર એલઈડી સ્ક્રીન લગાવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે તેનાથી ટ્રાફિક જામ અને ભીડભાડ થઈ હતી. જોકે, કોર્ટે નોંધ્યું કે FIRમાં કોઈ નક્કર આરોપો કે પુરાવા નથી જે સાબિત કરે કે આરોપીઓએ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કર્યો હતો. આ અવલોકન સાથે કોર્ટે FIRને રદ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો…તમિલનાડુ સરકારના પ્રધાનના ઘરે ED ના દરોડા; DMKએ કેન્દ્ર પર આરોપ લગાવ્યા…



