Delhi Highcourtએ ત્રીજા સંતાન માટે માતાને મેટરનીટી લિવ આપવા મામલે કહ્યું કે…
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે સત્તાવાળાઓને સીસીએસ (લિવ) નિયમ પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે, જેના હેઠળ મહિલા સરકારી કર્મચારીઓને તેમના પ્રથમ બે બાળકોના જન્મ સમયે પ્રસૂતિ રજા આપવામાં આવે છે. હાઈકોર્ટે સત્તાવાળાઓને પૂછ્યું કે પહેલા બે બાળકોને મળેલી માતૃત્વ સંભાળથી વંચિત ત્રીજા અને ત્યાર પછીના બાળકોને રાખી ન શકાય કારણ કે આમા બાળકનો કોઈ વાંક નથી. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (લીવ) રૂલ્સ, 1972ના નિયમ 43 મુજબ, મહિલા સરકારી કર્મચારી પ્રથમ બે બાળકોના જન્મ સમયે 180 દિવસની પ્રસૂતિ રજા માટે હકદાર છે. કોર્ટે કહ્યું કે જન્મ પછી તરત જ અને બાળપણના સમયગાળા દરમિયાન ત્રીજા બાળકને માતૃત્વના સ્પર્શથી વંચિત રાખવું યોગ્ય નથી, કારણ કે નિયમ 43 મુજબ, તે બાળકની માતા જન્મના બીજા જ દિવસે ફરજ પર પરત ફરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
કોર્ટે કહ્યું કે એ યાદ રાખવું અગત્યનું રહેશે કે સગર્ભા સ્ત્રીના શારીરિક અને મનોવૈજ્ઞાનિક ફેરફારો સમાન રહે છે, પછી ભલે તે પ્રથમ બે ગર્ભાવસ્થા દરમિયાન હોય કે પછી ત્રીજી કે પછીની ગર્ભાવસ્થા દરમિયાન. બાળ અધિકારોને ધ્યાનમાં લઈ આ મુદ્દાને જોતાં, અમને જણાય છે કે CCS (લીવ) નિયમો હેઠળનો નિયમ 43 મહિલા સરકારી કર્મચારીના પ્રથમ બે બાળકોના અધિકારો અને ત્રીજા કે પછીના બાળકના અધિકારો વચ્ચે અયોગ્ય ભેદ ઉભો કરે છે. છે. આ ત્રીજા અને પછીના બાળકને માતૃત્વની સંભાળથી વંચિત રાખે છે જે પ્રથમ બે બાળકોને પ્રાપ્ત થાય છે.
જોકે આ કેસ થોડો અલગ છે. ખંડપીઠ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)ના આદેશને પડકારતી દિલ્હી પોલીસની અપીલ પર વિચારણા કરી રહી હતી, જેમાં પોલીસને તેનાં ત્રીજા બાળકને જન્મ આપનાર મહિલા કોન્સ્ટેબલને પ્રસૂતિ રજા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પોલીસમાં જોડાતા પહેલા મહિલાને બે બાળકો હતા. આ પછી તેમના પ્રથમ લગ્ન તૂટી ગયા અને બંને બાળકો તેમના પિતા સાથે રહેવા લાગ્યા. તેનાં બીજા લગ્નથી તેને ત્રીજું સંતાન હતું, પરંતુ પ્રસૂતિ રજા માટેની તેની અરજી નકારી કાઢવામાં આવી હતી.