દેશનું ઇન્ફ્રસ્ટ્રક્ચર કૉંગ્રેસે ઘડ્યું, BJP Credit લઈ રહી છે: ખડગે
મુંબઈમાં કૉંગ્રેસનું પ્રભુત્વ મહત્ત્વનું હોવાનો ખડગેનો મત

મુંબઈ: છેલ્લાં અમુક વર્ષોમાં ભારતનુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપી ગતિએ વિકસી રહ્યું છે અને તેનો શ્રેય ખોટી રીતે ભાજપને જઇ રહ્યો હોવાનું કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે. ખડગેએ ભાજપ ખોટી રીતે જશ ખાટી રહી હોવાનું કહેતા જણાવ્યું હતું કે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું તેમાં કૉંગ્રેસે મહત્ત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ ભાજપ તેનો શ્રેય લેવાનો પ્રયત્ન કરી રહી છે.
આ સિવાય મુંબઈમાં કૉંગ્રેસ મજબૂત રહે તે કેટલું જરૂરી છે તે જણાવતા ખડગેએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસ મજબૂત રહે તે માટે કૉંગ્રેસ મુંબઈમાં મજબૂત રહે એ જરૂરી છે.
તેમણે મુંબઈના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે મુંબઈના દરેક કાર્યકર્તાની ફરજ છે કે તે કૉંગ્રેસને મજબૂત બનાવે. મુંબઈ અને કૉંગ્રેસનો સંબંધ ખૂબ જૂનો છે, કારણ કે કૉંગ્રેસની સ્થાપના અહીં મુંબઈમાં 28 ડિસેમ્બર, 1985માં થઇ હતી.
ખડગેએ વધુમાં કહ્યું હતું કે જો તમે ઇતિહાસ ભૂલી જાવ તો તમે ભવિષ્યમાં કંઇ ન કરી શકો.
કૉંગ્રેસે દેશ માટે શું કર્યું છે તે નવી પેઢીને જણાવવાની જવાબદારી કૉંગ્રેસની છે. કૉંગ્રેસે ટેલિકોમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસ માટે પાયારૂપ ભૂમિકા ભજવી છે, તેમ ખડગેએ કહ્યું હતું.