નેશનલ

દેશનું અર્થતંત્ર ઝડપથી વિકસશે: મોદી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારત આજે વિશ્ર્વની પાંચમી મોટી ઇકોનોમી છે, આગામી વર્ષોમાં ટોપ-થ્રીમાં લઈ જવાનો અમારો સંકલ્પ છે. વિશ્ર્વ હવે ભારતને સ્થિરતાના પર્યાય તરીકે, વિશ્ર્વાસપાત્ર મિત્ર, જન કેન્દ્રિત વિકાસમાં વિશ્ર્વાસ રાખતા ભાગીદાર, વૈશ્ર્વિક અર્થતંત્રમાં વૃદ્ધિના એન્જિન, ઉકેલ શોધતા ટેકનોલોજીના કેન્દ્ર અને પ્રતિભાશાળી યુવાનોનું પાવર હાઉસ અને સફળ લોકશાહી તરીકે જુએ છે એવું જણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની ખાતરી આપી હતી.

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં અમૃતકાળની પ્રથમ અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે ત્યારે ૧૦ વર્ષ અગાઉ તે ૧૧માં સ્થાને હતું.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં ભારત વિશ્ર્વની ટોપ-થ્રી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવશે. નિષ્ણાતો આનું વિશ્ર્લેષણ કરે પણ હું ખાતરી આપું છું કે, ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે જ.

નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશને આઝાદ થયાના ૭૫ વર્ષ પૂર્ણ થયાં હવે આગામી ૨૫ વર્ષ એ જ લક્ષ્ય પર આગળ વધતાં ૧૦૦ વર્ષની પૂર્ણતાએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનું આપણું લક્ષ છે.

અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓને તેમણે ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વના સહયોગી ગણાવતા કહ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી જાણકારીઓ અને અનુભવો વહેંચવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે સમિટના મુખ્ય મહેમાનપદે યુએઈના રાષ્ટ્રપ્રમુખની ઉપસ્થિતિ બંને દેશો વચ્ચે દિન-પ્રતિદિન મજબૂત બનતા આત્મીય સંબંધોનું પ્રતીક છે. ફૂડ પાર્કના વિકાસ, રિન્યુએબલ એનર્જી અને ઇનોવેટિવ હેલ્થ કેરમાં રોકાણ, ભારતમાં પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે યુએઈની કંપનીઓ દ્વારા અબજ ડોલરથી વધુના રોકાણ અંગે સમજૂતી કરારો થયા છે. યુએઈના સોવેરન ફન્ડઝ દ્વારા ગિફ્ટ સિટીમાં શરૂ થયેલા ઓપરેશન અને ટ્રાન્સવર્લ્ડ કંપની દ્વારા શરૂ થનારા એરક્રાફટ અને શિપ લીઝિંગ પ્રવૃત્તિઓ વિશે ઉલ્લેખ કરતાં વડા પ્રધાને બંને દેશોના નવી ઊંચાઈએ પહોંચેલા સંબંધોનો શ્રેય યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદને આપ્યો હતો.

વડા પ્રધાને વઘુમાં જણાવ્યું હતું કે ૨૦ વર્ષોમાં વાઇબ્રન્ટ સમિટે વૈશ્ર્વિક સ્તરે નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યું છે તેમજ નવા રોકાણો અને વળતર માટે નવો માર્ગ કંડાર્યો છે. ૨૦મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની થીમ ગેટ વે ટુ ધી ફ્યુચરનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે ૨૧મી સદીના વિશ્ર્વનું ઉજ્જવળ ભવિષ્ય સંયુક્ત પ્રયાસોથી જ શક્ય બનશે. ભારતની જી-૨૦ અધ્યક્ષતા દરમિયાન વિશ્ર્વના ભવિષ્ય માટેનો એક રોડ મેપ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના વિઝનના માધ્યમથી તેને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. ભારતનો વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચરનો સિદ્ધાંત વિશ્ર્વકલ્યાણ માટે અનિવાર્ય અવશ્યકતા છે. ભારત દેશ વિશ્ર્વમિત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતે વિશ્ર્વને સમાન સામુહિક લક્ષ્યાંકો હાંસલ કરી શકાય છે તેઓ વિશ્ર્વાસ આપ્યો છે. વૈશ્ર્વિક કલ્યાણ માટે ભારતની પ્રતિભત્તા નિષ્ઠા પ્રયાસ અને કઠોળ પરિશ્રમ જ વિશ્ર્વને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહ્યા છે.

અનેક અનિશ્ર્ચિતતાઓથી ઘેરાયેલા વિશ્ર્વ માટે ભારત દેશ એક નવી આશા બની રહ્યો છે તેમ જણાવી વડા પ્રધાને ઉમેર્યું હતું કે, સ્થાયી ઉદ્યોગો, ઉત્પાદન અને માળખાગત સુવિધા નવા યુગના કૌશલ્યો, અધ્યતન ટેકનોલોજીથી સજ્જતા, ઇનોવેશન, ગ્રીન હાઈડ્રોજન, પુન:પ્રાપ્ય ઊર્જા અને સેમિક્ધડક્ટર્સ જેવા ક્ષેત્રોમાં ભારતમાં અનેક તકો રહેલી છે.

આ કાર્યક્રમમાં યુ.એ.ઇ.ના પ્રેસીડેન્ટ, ચેક રીપબ્લિકનના પ્રાઇમ મીનીસ્ટર, મોઝામમ્બિકના પ્રેસીડેન્ટ, તીમોરલેસ્ટના પ્રેસીડેન્ટ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત ૧૩૦ કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રનાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે આત્મવિશ્ર્વાસ સાથે કહ્યું હતું કે ભારત ૨૦૨૭-૨૮ના નાણાકીય વર્ષમાં ભારત પાંચ ટ્રિલ્યનનુું વિશ્ર્વનું ત્રીજા નંબરનું મોટું અર્થતંત્ર બનશે અને ૨૦૪૭ સુધી ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્યુસ (જીડીપી) ૩૦ ટ્રિલ્યન અમેરિકન ડૉલરની થતાં તે વિકસિત રાષ્ટ્ર બનશે.

ભારતની જીડીપી અંદાજે ૩.૪ ટ્રિલ્યન અમરિકન ડૉલરની છે અને તે વિશ્ર્વના મોટા અર્થતંત્રમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મની પછીનું એટલે કે પાંચમું સ્થાન ધરાવે છે. સીતારમણે કહ્યું હતું કે ભારતને આઝાદી મળી એના ૧૦૦ વર્ષ ૨૦૪૭માં પૂરા થશે અને આ અમૃતકાળ દરમ્યાન સનરાઈસ ઈન્ડસ્ટ્રીઝ એટલે કે નવા વિકસી રહેલા ઉદ્યોગો પર સરકાર ભાર મૂકે છે. નરેન્દ્ર મોદી સરકારની ફોરેને ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) નીતિને લીધે વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળી રહી છે અને છેલ્લાં નવ વર્ષમાં વિદેશી રોકાણ ૫૯૫ અબજ અમરિકન ડૉલર થઈ ગયું છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા