કપાસના ઉત્પાદનમાં 7 ટકાના ઘટાડાના અંદાજથી બજારમાં ચિંતા, કિંમતોમાં પડશે અસર?
આ વર્ષે કપાસના ઉત્પાદનમાં 7 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. ગત સિઝનમાં કપાસનું ઉત્પાદન 325.29 લાખ ગાંસડી નોંધાયું હતું. જ્યારે આ વર્ષે કપાસના ઉત્પાદનમાં ઘટાડાની પાછળના કારણોમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો, વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અને ખેડૂતો રોકડીયા પાક તરફ વળ્યા હોવાનો સમાવેશ થાય છે. ભારતીય કપાસ સંઘના (Cotton Association of India CAI) જણાવ્યા અનુસાર, કપાસનું ઉત્પાદન 313 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.
આ પણ વાંચો : અમરેલીમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો: મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન…
ઇન્ડિયન કોટન એસોસિએશનનું માનવું છે કે 2024-25માં કપાસનો પાકનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ 7 ટકા ઘટીને 170 કિલોની 302.25 લાખ ગાંસડી થશે. ગત સિઝનમાં ઉત્પાદન 325.29 લાખ ગાંસડી રહ્યું હતું. કપાસના ઉત્પાદનમાં ઘટાડો પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને કેટલાક વિસ્તારોમાં વાવેતર હેઠળ ઓછો વિસ્તાર હોવાને કારણે છે. આ ખરીફ સિઝનમાં કપાસના વાવેતરમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે, જે ગયા વર્ષે 126.9 લાખ હેક્ટરથી ઘટીને 112.9 લાખ હેક્ટર થઈ ગયો છે, જે સરેરાશ 129.34 લાખ હેક્ટર કરતાં ઘણો ઓછો છે.
કપાસની આયાત વધશે, જ્યારે નિકાસ ઘટશે:
કોટન એસોસિએશનના જણાવ્યા અનુસાર, 2024-25 દરમિયાન કપાસનો વપરાશ 170 કિલોગ્રામની 313 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષની જેમ જ સ્થિર છે. આવી સ્થિતિમાં 1 ઓક્ટોબરથી શરૂ થનારી નવી સિઝનમાં ભારતની કપાસની આયાત વધીને 25 લાખ ગાંસડી થવાની ધારણા છે, જે એક વર્ષ અગાઉ 17.5 લાખ ગાંસડી હતી. તેનાથી વિપરીત દેશની કપાસની નિકાસ એક વર્ષ અગાઉ 28.5 લાખ ગાંસડીથી ઘટીને 18 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.
આ પણ વાંચો : દેશમાં સૌથી વધુ કપાસનું વાવેતર કરતું રાજ્ય છે ગુજરાત
શું થશે અસર?
કપાસના ઉત્પાદનમાં આ અંદાજિત ઘટાડો સ્થાનિક કાપડ ઉદ્યોગ અને વૈશ્વિક બજારો બંનેની મુશ્કેલીઓમાં વધારો કરવાનો છે. કારણ કે ભારત કપાસના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકારોમાંનો એક છે. કપાસના ઉત્પાદનમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં પણ ભાવવધારો થઈ શકે છે. આનાથી ભારતના કાપડ ઉદ્યોગ સેક્ટર માટે કાચા માલની કિંમત પર અસર પડી શકે છે. સાથે જ વૈશ્વિક કપાસ બજાર પર પણ ભાવ વધારાની અસર થશે.