કેરળની મહિલામાં કોરોનાનોસબ-સ્ટ્રેન જેએન.૧ વાઇરસ જોવા મળ્યો
નવી દિલ્હી: કેરળમાં કોવિડ-૧૯ સબ-વેરિઅન્ટ જેએન.૧નો કેસ મળી આવ્યો છે. સત્તાવાર સૂત્રોએ આાઠમી ડિસેમ્બરના રોજ નવો કેસ મળી આવ્યો હોવાનું જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ૭૯ વર્ષીય મહિલાના નમૂનાનું ૧૮ નવેમ્બરના રોજ આરટી-પીસીઆર પરીક્ષણમાં સકારાત્મક પરિણામ આવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, તેણીને ઇન્ફલ્યુએન્ઝા જેવી બિમારી (આઇએલઆઇ)ના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-૧૯થી સ્વસ્થ થઇ ગઇ હતી. અગાઉ સિંગાપોરમાં જેએન.૧ સબ-વેરિયન્ટ સાથે પણ એક ભારતીય પ્રવાસી ઝડપાયો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો વતની હતો અને ૨૫ ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો. તિરુચિરાપલ્લી જિલ્લા અને તમિલનાડુના અન્ય સ્થળોએ નવો સ્ટ્રેન મળી આવ્યા બાદ કેસોમાં કોઇ વધારો જોવા મળ્યો નથી. ભારતમાં જેએન.૧ વેરિઅન્ટનો અન્ય કોઇ કેસ મળ્યો ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેએન.૧ પેટા વેરિઅન્ટ સૌપ્રથમ લક્ઝમબર્ગમાં જોવા મળ્યો હતો અને ત્યાંથી ઘણા દેશોમાં ફેલાયો છે. તે પિરોલા વેરિઅન્ટ(બીએ.૨.૮૬)નો વંશજ છે.