નેશનલ

કોરોનાનો અનેક રાજ્યોમાં પગપેસારો

દેશમાં કુલ છનાં મોત : ૫૯૪ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી : છેલ્લાં ૨૪ કલાકમાં કેરળમાં કોરોનાના નવા ૩૦૦ કેસ નોંધાયા હતા અને ત્રણ જણનાં મૃત્યુ થયા હતા.

આજે (ગુરુવારે) સવારે આઠ વાગ્યા સુધી આખા દેશમાં નોંધાયેલા કોવિડ-૧૯ના ૫૯૪ નવા કેસમાંથી ૩૦૦ કેસ કેરળમાં નોંધાયા હતા. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આપેલી વિગતો પ્રમાણે કેરળમાં સક્ર્રિય કેસની સંખ્યા ૨,૬૬૯ની થઈ છે. કેરળમાં ત્રણ દર્દીના મરણ થતાં ત્રણ વર્ષ અગાઉ મહામારી ફેલાઈ ત્યાર બાદનો કેરળનો મરણાંક ૭૨,૦૫૯નો થયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં સાજા થયેલા, રજા
અપાયેલા કે બીજે ખસેડાયેલા દર્દીની સંખ્યા ૨૧૧ની છે અને આવા કુલ કેસની આજ સુધીની સંખ્યા ૬૮,૩૭,૪૧૪ની થઈ છે.
મંગળવારે કેરળનાં આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જએ કહ્યું હતું કે કેરળમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા છતાં ચિંતાની કોઈ વાત નથી કારણ કે હૉસ્પિટલો વાઈરસના ચેપનો સામનો કરવા સજ્જ છે.

દેશભરમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૫,૩૩,૩૨૭ થઈછે. ગુરુવાર સુધીમાં કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને પંજાબમાં એક મળી કુલ છનાં મોત નોંધાયા છે.(એજન્સી)

કર્ણાટક સરકાર સમિતિ રચશે
બેંગલૂરુ: કર્ણાટક સરકારે કોરોેનાની બીમારીને વધુ ફેલાતી અટકાવવા જરૂરી પગલાં લેવાં, સારવાર કરવાં અને નિષ્ણાતો સાથે યોગ્ય સહકાર સાધવા પ્રધાનમંડળની પેટા સમિતિની રચના કરવાનો ગુરુવારે નિર્ણય લીધો હતો. છેલ્લાં એક અઠવાડિયામાં કર્ણાટકમાં કોરોનાને કારણે ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં.

પ્રધાનો, અધિકારીઓ અને નિષ્ણાતો સાથેની બેઠક બાદ મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયાએ લોકોને ગભરાઈ ન જવાની તેમ જ સાવચેતીનાં પગલાંરૂપ માસ્ક પહેરવાની અપીલ કરી હતી.
પ્રધાનમંડળની પેટા સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિનું વડપણ કોણ સંભાળશે અને કોણ સભ્ય હશે એ અંગે પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર, ગૃહ પ્રધાન જી. પરમેશ્ર્વર, આરોગ્ય પ્રધાન દિનેશ ગુન્ડુ રાવ, તબીબી શિક્ષણ પ્રધાન શરણ પ્રકાશ પાટીલ તેમ જ ટોચના
સરકારી અધિકારીઓ અને ટીએસીના સભ્યોએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી.

આ સમિતિની બેઠક અવારનવાર મળશે અને આ સમિતિ નિષ્ણાતોની બનેલી ટૅક્નિકલ ઍડવાઈઝરી કમિટી (ટીએસી) સાથે પણ બેઠક કરશે, એમ તેમણે કહ્યું હતું.

ટીએસી દ્વારા આપવામાં આવનારી સલાહનો અમલ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

ચંડીગઢમાં માસ્કની રિએન્ટ્રી
નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર વધતું દેખાઇ રહ્યું છે. ગોવા, કેરલ, મહારાષ્ટ્રમાં કોરોનાના નવા સબવેરિયન્ટ જેએન ૧ ફેલાઇ રહ્યો છે ત્યાં બીજી બાજુ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં બુધવારે કોરોનાનો નવો કેસ નોંધાયો છે. કોવિડ-૧૯ના આઠ મહિના બાદ ગાઝિયાબાદમાં એન્ટ્રી થઇ છે. ગાઝિયાબાદમાં બીજેપીના નેતા અમિત ત્યાગીને કોરોના થયો છે. દેશનાં અલગ અલગ રાજ્યોમાં કોવિડની વધતી સંખ્યા ને કારણ એલર્ટની પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે હવે ફરી એકવાર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઇસોલેશન જેવા શબ્દો લોકોની ચર્ચામાં આવી ગયા છે.

કોરોનાના નવા વેરિયન્ટને ધ્યાનમાં લઇને ચંડીગઢ સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં માસ્કની રિએન્ટ્રી થઇ છે. લોકોને ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી
છે. ઉપરાંત ક્રાઉડેડ પ્લેસીસ પર જવાનું ટાળવાની સૂચના પણ આપવામાં આવી છે. હોસ્પિટલ જઇ રહેલા લોકો અને તેમના પરિવારજનો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે.
તાવ, શરદી અને શ્ર્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો દેખાતા તરત જ સારવાર ફરજિયાત કરવામાં આવી છે. જો કોઇ વ્યક્તી કોરોના પોઝિટિવ હોય તો તેને સાત દિવસ સુધી આસોલેશન ફરજિયાત કરી દીધુ છે. ચંદીગઢ પ્રશાસન દ્વારા ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

કોવિડ-૧૯ની આઠ મહિના બાદ ગાઝિયાબાદમાં રિએન્ટ્રી થઇ છે. ગાઝિયાબાદના ભાજપના નેતા અમિત ત્યાગીને કોરોના થયો હોવાની જાણકારી મળી છે. આ અંગે મળતી માહિતી મુજબ તેમના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવનાર છે. આરોગ્ય વિભાગ સેમ્પલ કલેક્ટ કરીને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલશે. કહેવાઇ રહ્યું છે કે ત્યાગીના પરિવારના સભ્યની દુબઇની ટ્રાવેલ હિસ્ટ્રી છે.

દેશના ઘણાં વિસ્તારોમાં કોવિડના દર્દીઓની સંખ્યા વધી રહી છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે બુધવારે કહ્યું કે, સરકાર દેશની રાજધાની જાહેર આરોગ્યની સુવિધાઓની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આપણે સતર્ક રહેવાની જરૂર છે ગભરાવાની નહીં.

અમદાવાદમાં કોરોનાના નવા છ કેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યું છે. ગુરૂવારે અમદાવાદમાં વધુ છ નવા કેસ નોંધાયા હતા. આ સાથેજ શહેરમાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં ૧૩ થઇ છે. નવા કેસ નવરંગપુરા, નારણપુરા અને સરખેજ વિસ્તારમાં નોંધાયા છે. જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ કોરોના સંક્રમિત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં બુધવાર સુધી સાત જેટલા કોરોનાના એક્ટિવ કેસો હતા. ગુરૂવારે વધુ છ કેસોમાં એકજ દિવસમાં સામે આવ્યા છે. એકજ દિવસમાં છ જટેલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. બુધવારે જે સાત એક્ટિવ કેસ હતા તેમાં ચાર મહિલા અને
ત્રણ પુરુષ હતા. આ કેસો જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વિસ્તારમાં નોંધાયા હતા. જ્યારે ગુરુવારે જે છ કેસ નોંધાયા છે, તેમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલાઓ છે. આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના નવા વેરિયન્ટને લઇને રાજ્ય સરકાર એલર્ટ થઇ છે. સરકાર દ્વારા પણ હૉસ્પિટલોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ મનપા એસવીપી હૉસ્પિટલ અને સિવિલ હૉસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક, દવાનો પર્યાપ્ત જથ્થો, વેન્ટિલેટરની સુવિધા રાખવા સૂચના આપી દેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ દ્વારા ૨૦ હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક, ૬૫૦ ક્ધસ્ટ્રેટર, ૩૦૦ આઇસીયુ બેડ, ૫૦૦ વેન્ટિલેટર, ૭ ઓક્સિજન પ્લાન્ટની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

અમેરિકન સીડીસીની વિશ્ર્વને ચેતવણી
વોશિંગ્ટન: કોરોનાનો નવો વેરિઅન્ટ ઉંગ.૧ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે તે લોકોને ખૂબજ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. યુએસ સ્થિત સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન નામની સંસ્થાએ આ વાઇરસના ફેલાવાની ઝડપ અને તેની સાથે સંકળાયેલાં જોખમોને લઈને ચેતવણી જાહેર કરી છે. આ સંસ્થાએ જણાવ્યું છે કે કોરોના વાઇરસનો આ અત્યંત ચેપી પ્રકાર છે. તેનો ઝડપી ફેલાવાના કારણે યુએસ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. સીડીસી યુએસ મેડિકલ સિસ્ટમ પર કોવિડ અને ફ્લૂ બંનેની વધતી જતી અસરના કારણે ચિંતિત છે.

સીડીસીએ કહ્યું હતું કે કોવિડ દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ખૂબજ ઝડપથી વધારો થઈ રહ્યો છે. સીડીસીનું માનવું છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ વધારે મુશ્કેલ બની શકે છે. કારણકે આ અઠવાડિયાની શરૂઆતમાં ઇમરજન્સી
રૂમના ડેટા પ્રમાણે અગાઉના અઠવાડિયા કરતાં વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. સીડીસીના અહેવાલ પ્રમાણે ફ્લૂના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે વૃદ્ધ લોકોમાં કોરોના વાઇરસ કરતાં ફ્લૂનો ફેલાવો વધારે જોવા મળી રહ્યો છે. મિડ વેસ્ટ પ્રદેશ સહિત દેશભરના ઘણા નર્સિંગ હોમ્સ ફલૂ અને કોરોના વાઇરસને કારણે અત્યારે ભરાઈ ગયા છે. ત્યારે બીમારી જે ઝડપથી વધી રહી છે તે જોઇને સીડીસીએ પણ અનુમાન લગાવ્યું હતું કે જેએન ૧ પણ ખૂબજ ઝડપથી ફેલાશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ જેએન.૧ કોવિડ-૧૯નું નવું સ્વરૂપ છે. જેને બીએ-૨-૮૬ વેરિઅન્ટ જેવું જ ગણવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોના મતે જેએન.૧માં થયેલા ફેરફારોના કારણે જે રસીઓ આપવામાં આવી છે તે એટલી અસરકારક નીવડે તેમ નથી. આ ઉપરાંત હવે લોકો રસી લેવા માટે ઉદાસીન વલણ પણ દાખવી રહ્યા છે. ત્યારે આ નવો વેરિઅન્ટ કેટલા ઝડપથી ફેલાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…