કોરોનાએ ચિંતા વધારી ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ સામે એલર્ટ: ચાર મહાનગરમાં રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતનાં ચારો મોટા શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આઈસોલેશન વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટ તહેનાત કરી દેવામાં આવ્યા છે. તેમ જ ડોક્ટરોને પણ એલર્ટ કરી સ્ટેન્ડબાય કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટએ જણાવ્યું હતું કે, ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. તેને પગલે સિવિલ હોસ્પિટલ સજ્જ છે. કોઈ પણ વ્યક્તિએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ફરીથી કોરોનાની ભયંકર લહેર આવવાની શક્યતા ઓછી છે, પરંતુ જો કદાચ તેવી સ્થિતિ સર્જાય તો તે માટે સિવિલ હોસ્પિટલતંત્ર સજ્જ છે. સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલ કોરોનાની સંપૂર્ણ સારવાર માટે આરક્ષિત
રાખવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે અમદાવાદમાં કોરોનાના સંભવિત આક્રમણ સામે શહેર મનપાના હેલ્થ વિભાગને સતર્ક કરવામાં આવ્યો છે. મનપા તંત્ર દ્વારા કોરોનાનું રેન્ડમ ટેસ્ટિંગ કરવા અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તૈયારી કરી લેવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. આગામી સમયમાં શહેરમાં જ્યાં ભીડ વધુ થતી હોય એવા સ્થળોએ મનપા તંત્ર તરફથી રેન્ડમ ટેસ્ટ કરાશે.
બેંગલૂરુમાં કોરોનાને કારણે એકનું મોત
નવી દિલ્હી: બેંગલૂરુમાં પાંચ દિવસ અગાઉ કોરોનાને કારણે ૬૪ વર્ષની એક વ્યક્તિનું મોત થયું હતું, એમ કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ ગુન્ડુ રાવે બુધવારે કહ્યું હતું. કોરોનાના સાર્સ કોવિડ-૨ વાઈરસના જેએન. વન સબ વેરિયન્ટને કારણે આ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું તેમણે કહ્યું હતું. પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે મૃતક ચામરાજપેટનો વતની હતો અને ૧૫ ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું હતું. મૃતક દરદીનું જેએન. વન સબ વેરિયન્ટને કારણે મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ થઈ શક્યું નહોતું.
દરદી હૃદય, ટીબી, અસ્થમા, ફેફસા, હાયપરટેન્શન જેવી વિવિધ બીમારીથી પીડાતો હતો, એમ તેમણે કહ્યું હતું.
દેશભરમાં કોરોનાના જેએન. વન સબ વેરિયન્ટના ૨૦ જેટલા કેસ મળી આવ્યા હતા જેમાં ૧૮ કેસ ગોવા તેમ જ મહારાષ્ટ્ર અને કેરળ પ્રત્યેકમાં કોરોનાનો એક કેસ નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું. કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાન મનસૂખ
માંડવિયાએ પરિસ્થિતિ તેમ જ નવા ઊભા થયેલા પડકારને પહોંચી વળવાની તૈયારીની સમીક્ષા કરી હતી અને રાજ્યને સાવધ રહેવાની તેમ જ લોકોને ન ગભરાવાની અપીલ કરી હતી.
કોરોનાના પરીક્ષણ વધારવા રાજ્ય સરકાર પગલાં લેશે, એમ તેમણે કહ્યું હતું. આવનારાં ત્રણ દિવસમાં દૈનિક પરીક્ષણનું પ્રમાણ વધારીને ૫,૦૦૦ કરવાનું લક્ષ્ય હોવાનું તેમણે કહ્યું હતું. કોરોનાના પડકારને પહોંચી વળતા તેમ જ જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા કરવા મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા તેમ જ ટૅક્નિકલ સલાહકાર સમિતિ સાથે ગુરુવારે બેઠક યોજાશે, એમ તેમણે કહ્યું હતું.
અગાઉ તેમણે તમામ રાજ્યના આરોગ્ય પ્રધાન, કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારના અધિકારીઓ અને આઈસીએમઆર અને નીતિ આયોગના પ્રતિનિધિઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી.
દરમિયાન, કર્ણાટક સરકારે ૬૦ વર્ષની ઉપરના લોકો, સગર્ભા મહિલાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને તેમને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. (એજન્સી)
મધ્ય પ્રદેશમાં બે કેસ નોંધાયા
ઇંદોર: માલ્દીવ્ઝથી ઇંદોર પાછા ફરેલા એક પરિવારના બે સભ્યને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે તેવું આરોગ્ય વિભાગના એક અધિકારીએ બુધવારે કહ્યું હતું.
કોવિડ-૧૯નો નવો વેરિયન્ટ જેએન.૧નું દેશમાં આગમન થયું છે તે પછી કેટલાક રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
મધ્ય પ્રદેશના ઇન્ટિગ્રેટેડ ડીઝીઝ સર્વિલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી)ના ઇન્દોર એકમના એક અધિકારીએ કહ્યું કે ૩૩ વર્ષીય મહિલા અને ૩૮ વર્ષીય પુરુષને ચેપ લાગ્યો છે. મહિલાને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો તે માહિતી ૧૩મી ડિસેમ્બરે મળી હતી અને સાત દિવસનો તેમનો એકાંતવાસ હવે પૂરો થયો છે. પુરુષને ચેપ લાગ્યો છે તેની પુષ્ટિ ૧૮મી ડિસેમ્બરે થઈ હતી અને તેમનો એકાંતવાસ ચાલુ છે.