દેશમાં કોરોનાએ ફરી આપી દસ્તક, આટલા લોકો થયા પોઝિટિવ…
નવી દિલ્હી: 2020માં આવેલા કોરોનાએ લોકોમાં ડર ફેલાવી દીધો હતો તેમજ તે સમયે કોરોનાના કારણે વિશ્વભરમાં હજારો લોકોનો જીવ ગયો હતો ત્યારે હજુ પણ કોરોના ચિંતાનું કારણ છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ ભારતમાં કોરોના વાયરસના ચેપના ઘણા નવા કેસ જોવા મળ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટામાં આ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતમાં આજે નવ ડિસેમ્બરના રોજ એક દિવસમાં કોરોના વાયરસના 148 નવા કેસ નોંધાયા હતા. સવારે આઠના સુમારે અપડેટ કરાયેલા આંકડા મુજબ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઈ છે જે ઘણું ચિંતાજનક છે.
અત્યાર સુધી આરોગ્ય વિભાગના ડેટા મુજબ કોરોના વાયરસના કુલ કેસો 4 કરોડ 50 લાખ 2 હજાર 889 છે. જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજાર 306 છે. તેમજ 4 કરોડ 44 લાખ 68 હજાર 775 લોકો સારવાર દરમિયાન સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા હતા. ભારતમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે અત્યાર સુધીમાં દેશભરમાં એન્ટી-કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના બાદ ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાનો ચેપ ફેલાયો છે જેના દેશમાં કેટલાક કેસ પણ જોવા મળ્યા છે, જેને લઈને કેન્દ્રએ પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. તેમજ ન્યુમોનિયા સૌથી વધારે બાળકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના નવા કેસોમાં વધારો થવાના કારણે ફરી એકવાર એજ ટેન્શન થવા લાગ્યું છે.