સહકારી સંસ્થાઓને વધુ મજબૂત કરાશે: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. ડેરી અને સાકરના ઉત્પાદનમાં ઉલ્લેખનીય સુધારો જોવા મળ્યા બાદ કૃષી અને માછીમારી જેવા ક્ષેત્રમાં ધરખમ સુધારા કરવાની તેમણે ખાતરી આપી હતી.
હાલ ચાલી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે છેલ્ લાં ૧૦ વર્ષમાં સરકારી કલ્યાણ યોજનાઓના કરોડો લાભાર્થીઓનાં જીવનમાં આવેલું પરિવર્તન ઉત્સાહજનક છે.
વાતચીત દરમિયાન લોકોમાં જોવા મળી રહેલો આત્મવિશ્ર્વાસ સંતોષનો મોટો સ્રોત હોવાનું તેમણે કહ્યું હતું.
યાત્રા દરમિયાન એક કરોડ જેટલા લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
દેશના ગરીબો માટે ચલાવવામાં આવી રહેલી આરોગ્ય વીમા યોજના અંતર્ગત સવા કરોડ જેટલા લોકોએ હૅલ્થ ચૅકઅપનો લાભ લીધો હતો.
૭૦ લાખ જેટલા લોકોને ટીબી હોવાનું જણાઈ આવ્યું હતું, એમ તેમણે કહ્યું હતું. અગાઉની બિનભાજપી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે જો એ સરકાર અત્યાર સત્તામાં હોત તો આ યોજનાના લાભાર્થીઓ સરકારી કાર્યાલયના ચક્કર કાપતા હોત. સરકારી યોજનાઓનો લાભ મેળવવા હવે સગાંવાદ કે લાંચ આપવાની જરૂર ન હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે મોદી તમારા પરિવારજન જેવા જ છે. તમારે કોઈની ઓળખાણની જરૂર નથી, એમ તેમણે કહ્યું હતું.
ભાજપ સરકારના દસ વર્ષના શાસનકાળ દરમિયાન દેશની ૧૦ કરોડ મહિલા સેલ્ફ હૅલ્પ ગ્રૂપમાં જોડાઈ છે અને બૅન્ક મારફતે તેમને સાડાસાત લાખ કરોડ આપવામાં આવ્યા છે. ખેડૂતોને મદદરૂપ થવા સરકાર લાખોની સંખ્યામાં સ્ટોરેજ સુવિધા ઉપલબ્ધ કરાવવા સંબંધિત કામ કરી રહી છે.
(એજન્સી)