CJI ગવઈની ટિપ્પણી પર વિવાદ: શંકરાચાર્યએ કહ્યું, ‘ન્યાયાધીશના નિર્ણયો સનાતનીય ન્યાય પરંપરાની રક્ષામાં નિષ્ફળ’

ખજૂરાહોના વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામની અરજી મુદ્દે CJIએ કરી હતી ટિપ્પણી
ખજૂરાહો-દ્વારકા: મધ્ય પ્રદેશના ખજૂરાહોના પ્રસિદ્ધ જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામ માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી અરજી પર સુનાવણી સમયે સીજેઆઈ (ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા) બી. આર. ગવઈએ એક ટિપ્પણી કરી હતી, જેનાથી ભારે વિવાદ સર્જાયો હતો ત્યારે આ ટિપ્પણીને દ્વારકાના શારદા પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્યએ વખોડી કાઢી હતી.
મળતી વિગતો અનુસાર સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના ખજૂરાહો સ્મારક સમૂહના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી ખંડિત મૂર્તિની પુનઃસ્થાપનાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન સીજેઆઈ બી. આર. ગવઈએ કહ્યું, ‘તમે કહો છો કે તમે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છો, તો તેમની પ્રાર્થના કરો. આ એક પુરાતત્વીય સ્થળ છે અને એએસઆઈએ તેને મંજૂરી આપવી પડશે.’
સીજેઆઈની આ ટિપ્પણીને દ્વારકાના શારદા પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્યએ વખોડી કાઢી હતી, તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, ન્યાયપાલિકા એ લોકતંત્રનો સ્તંભ છે, પરંતુ ન્યાયાધીશના નિર્ણયો ભારતની સનાતનીય ન્યાય પરંપરાની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. જયારે પુરાતત્વ વિભાગે ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સ્થાને નવી શુધ્ધ મૂર્તિ સ્થાપવાની વાત સ્વીકારી નહી તેથી શ્રદ્ધાળુ-ભાવિકે અદાલત સમક્ષ ન્યાય માટે મદદ માગી હતી, પરંતુ અદાલતે આ મુદ્દે મજાક કરી હતી, ન્યાય માગવા આવનાર સાથે અન્યાય થયો. આ પ્રકારનો અન્યાય સનાતન હિંદુઓ પ્રત્યે કયાં સુધી ચાલતો રહેશે. જયાં સુધી હિંદુ ધર્માવલંબી પોતાના ધર્મ અને હિંદુત્વ માટે સંગઠિત નહી થાય ત્યાં સુધી અપમાન સહન કરવાનું રહેશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો…‘મર્સિડીઝ-BMW’ના સપના જોતા વકીલોને CJI ગવઈએ આપી સલાહ, જાણો શું કહ્યું