
નવી દિલ્હી: કોંગ્રેસે ઇથેનોલ પોલિસીના મુદ્દે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી પર નિશાન સાધ્યું હતું. AICC મીડિયા અને પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેડાએ કહ્યું કે નીતિન ગડકરી નીતિ બનાવી રહ્યા છે અને તેમના દીકરા તેનાથી પૈસા કમાઈ રહ્યા છે.
તેમણે આગળ કહ્યું કે પરિવહન પ્રધાને 2018માં પાંચ ઇથેનોલ પ્લાન તૈયાર કરવાનો દાવો કર્યો હતો, પરંતુ આ સેન્ટર હજુ સુધી તૈયાર નથી થઈ શકયા.
પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આરોપ લગાવ્યો હતો કે નીતિન ગડકરી એક ઇથેનોલ પોલિસી બનાવી રહ્યા છે અને તેના બંને દીકરા તે જ નીતિઓના આધાર પર પૈસા બનાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે નીતિન ગડકરીના બંને દીકરા નિખલ ગડકરી અને સારંગ ગડકરીની કંપની સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ & ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ઇથેનોલનું ઉત્પાદન કરી રહી છે.
નિખિલ ગડકરીની કંપની સિયાન એગ્રોની આવક જૂન 2024માં રૂપિયા 18 કરોડ હતી, જો કે જૂનમાં વધીને 723 કરોડ થઈ હતી. આ કંપનીના શેરની કિંમત જાન્યુઆરી 2025માં 37 રૂપિયા હતી, જે વધીને 638 રૂપિયા થઈ ગઈ છે.
તેમણે દાવો કર્યો હતો કે છેલ્લાં ૧૧ વર્ષના ઇતિહાસમાં કોઈ પણ યોજના સમયસર પૂરી થઈ નથી, પરંતુ ૨૦૨૫ની સમયમર્યાદા પહેલાં દેશે ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે.
પવન ખેડાએ આરોપ લગાવ્યો કે ઇથેનોલના કારણે વાહનોના એન્જિનને નુકસાન થઈ રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતોને તેનો કોઈ ફાયદો થઈ રહ્યો નથી. ઊલટું, ઇથેનોલ બનાવવા માટે તેમની પાસેથી સસ્તા ભાવે શેરડી અને અનાજ ખરીદવામાં આવી રહ્યું છે.
રશિયાના ક્રૂડ ઓઇલને લઈને નિશાન
પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સમાં ક્રૂડ ઓઇલને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દેશને જણાવવામાં આવ્યું કે રશિયાથી ક્રૂડ ઓઇલ આવી રહ્યું છે.
પરંતુ જ્યારે રશિયાથી સસ્તું ક્રૂડ ઓઇલ આવ્યું ત્યારે તે મોદીજીના મિત્રની રિફાઇનરીમાં ગયું. તેમણે સરકારની ઇથેનોલ નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે દેશને જણાવવામાં આવ્યું કે ઇથેનોલથી માઇલેજ સારું થશે, પરંતુ નીતિ આયોગના આંકડા મુજબ માઇલેજમાં ૬ ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો…જનતાને મૂરખ બનાવી શકે એ ઉત્તમ નેતાઃ નીતિન ગડકરી દાઢમાં બોલ્યા