“ચોથા બાળક પર 21 હજાર, પાંચમા બાળક પર 31 હજાર….” હિન્દુ રક્ષા દળની વિવાદાસ્પદ જાહેરાત

ગાઝિયાબાદ: હિન્દુ રક્ષા દળના અધ્યક્ષ પિંકી ચૌધરીએ એક વિવાદાસ્પદ જાહેરાત કરીને ચર્ચા જગાવી છે. તેમણે હિન્દુ સમાજના લોકોને પોતાની વસ્તી વધારવા માટે અપીલ કરતા જાહેરાત કરી છે કે, જે પરિવાર ચોથું બાળક પેદા કરશે તેમને રુ. 21,000 અને જે પરિવાર પાંચમું બાળક પેદા કરશે તેમને રુ. 31,000 નું ઇનામ આપવામાં આવશે.
પિંકી ચૌધરીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, જે રીતે કટ્ટરપંથીઓની વસ્તી વધી રહી છે તે દેશ માટે જોખમી સાબિત થઈ શકે છે. તેમણે લવ જેહાદ અને આતંકવાદ જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હિન્દુ પરિવારો જે માત્ર એક કે બે બાળકો પેદા કરી રહ્યા છે તે દેશના ભવિષ્ય માટે ઘાતક બની શકે છે. આથી, તેમણે જે પરિવારોને વધુ બાળકો પેદા કરવામાં આર્થિક મુશ્કેલી હોય તેમને સંગઠન તરફથી મદદ લેવા માટે પોતાના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યું છે.
चौथा बच्चा पैदा करने पर 21 हजार, पांचवां बच्चा पैदा करने पर 31 हजार रुपए हिन्दू रक्षा दल देगा : भूपेंद्र उर्फ पिंकी चौधरी, गाजियाबाद pic.twitter.com/I5sj5FW9dy
— Sachin Gupta (@SachinGuptaUP) January 31, 2026
નોંધનીય છે કે પિંકી ચૌધરી અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે. અગાઉ ગાઝિયાબાદના શાલીમાર ગાર્ડન વિસ્તારમાં ખુલ્લેઆમ તલવારો વહેંચવા અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સાથે સરઘસ કાઢવાના આરોપસર પોલીસ દ્વારા પિંકી ચૌધરી અને તેમના પુત્ર હર્ષ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર મુસ્લિમ વિરોધી ભડકાઉ ભાષણો અને શસ્ત્રોના પ્રદર્શનના ગંભીર આક્ષેપો પણ લાગેલા છે, જેને લઈને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ભૂતકાળમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી.



