નૂહમાં ફરી હિંસાનું ષડ્યંત્ર! પૂજા માટે જઈ રહેલી મહિલાઓ પર પથ્થરમારો: ૩ ઘાયલ, ફોર્સ તૈનાત
ચંડીગઢ: હરિયાણાના નૂહમાં ફરી એકવાર અરાજકતાનો માહોલ સર્જાયો છે. જ્યારે ગુરુવારે રાત્રે ૮.૨૦ વાગ્યાના સુમારે કૂવા પૂજા કરવા જતી મહિલાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પૂજા કરવા જતી મહિલાઓ પર મદરેસામાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાની ઘટનાના સમાચાર મળતાની સાથે જ નુહના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજરનિયા ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને શાંત પાડ્યા હતા.
થોડા મહિના પહેલા જ હરિયાણાના નૂહમાં મોટા પાયે સાંપ્રદાયિક હિંસા જોવા મળી હતી. બ્રજમંડલ યાત્રા પર હુમલા બાદ ઘણા લોકોના મોત થયા હતા અને રાજ્યમાં ઘણા દિવસો સુધી તણાવ હતો. તે જ સમયે, ગુરુવારે રાત્રે આ વિસ્તારમાં ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે રાત્રે નૂહમાં એક મસ્જિદમાંથી અજાણ્યા લોકોએ કથિત રીતે પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ત્રણ મહિલાઓ ઘાયલ થઈ છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પથ્થરમારાની ઘટના રાત્રે ૮.૨૦ વાગ્યાની આસપાસ બની હતી. મહિલાઓનું એક જૂથ ‘કૂવા પૂજા’ માટે જઈ રહ્યું હતું. આ સમયે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે ઘણી મહિલાઓ ઘાયલ થઈ હતી. પથ્થરમારાની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર તંગદિલીનો માહોલ સર્જાયો છે.
હરિયાણાના નૂહમાં પથ્થરમારાના સમાચાર આવ્યા બાદ હવે એસપી નૂહ નરેન્દ્ર સિંહ બિજરનિયાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે કેટલીક મહિલાઓ કૂવા પૂજા કરવા જઈ રહી હતી ત્યારે મદરેસાના કેટલાક બાળકોએ તેમના પર પથ્થરમારો કર્યો હોવાની ફરિયાદ મળી હતી. આ અંગે બંને સમાજના લોકો અહી એકઠા થયા હતા. આ મામલે નોંધવામાં આવી રહી છે. અમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ. કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બિજરનિયાએ કહ્યું કે આ પથ્થરમારામાં કોઈને મોટી ઈજા થઈ નથી.
આ પહેલા જુલાઈમાં હરિયાણાના નૂહ અને આસપાસના વિસ્તારોમાં ભીડે વિશ્ર્વ હિન્દુ પરિષદના સરઘસ પર હુમલો કર્યા બાદ સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી હતી. જેમાં બે હોમગાર્ડ અને એક મૌલવી સહિત ૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૮૮થી વધુ લોકો ઘાયલ થયા હતા. રમખાણો ગુરુગ્રામ સહિત પડોશી જિલ્લાઓમાં પણ પહોંચ્યાં હતાં, જ્યાં ટોળાએ એક મસ્જિદમાં આગ લગાવી અને ઘણી દુકાનો અને રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રમખાણોના સંબંધમાં ૬૧ થી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા અને ઓછામાં ઓછા ૩૪૦ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.