નેશનલ

ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની વિચારણા, ઘરમાંથી મળી હતી બળેલી ચલણી નોટો

નવી દિલ્હી : અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી મોટી માત્રામાં બળી ગયેલી ચલણી નોટો મળી આવ્યા બાદથી વિવાદમાં હતા. સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિએ આ કેસમાં ન્યાયાધીશ યશવંત વર્માને દોષિત ઠેરવ્યા હતા. હવે સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જો ન્યાયાધીશ યશવંત વર્મા જાતે રાજીનામું નહીં આપે તો સંસદમાં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાના વિકલ્પ પર વિચાર કરવામાં આવશે.

રાજીનામું નહીં આપે તો મહાભિયોગ પ્રસ્તાવ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સંસદના આગામી ચોમાસુ સત્રમાં આવી શકે છે. આ વર્ષે સંસદનું ચોમાસુ સત્ર જુલાઈના બીજા પખવાડિયામાં શરૂ થવાની શક્યતા છે. જો ન્યાયાધીશ યશવંત વર્મા પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે તો મહાભિયોગ પ્રસ્તાવ લાવવો એ એક સ્પષ્ટ વિકલ્પ હશે.

આપણ વાંચો:  ઓપરેશન સિંદૂરમાં મુરીદ એરબેઝની ભૂગર્ભ સુવિધાને પણ નિશાન બનાવી, તસવીરો જાહેર

તપાસ સમિતિએ જજ યશવંત વર્માને દોષિત ઠેરવ્યા

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પૂર્વે દિલ્હી સ્થિત ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મોટી માત્રામાં બળી ગયેલી રોકડ મળી આવી હતી. જ્યારે તેઓ દિલ્હી હાઈકોર્ટમાં જજ હતા. આ પછી તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા. જેની બાદ સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિએ જજ યશવંત વર્માને દોષિત ઠેરવ્યા હતા.

જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહીની ભલામણ

સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ જજ યશવંત વર્માને રાજીનામું આપવા કહ્યું હતું. પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો. તેની બાદ જસ્ટિસ સંજીવ ખન્નાએ ભારતના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને પત્ર લખીને જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહીની ભલામણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button