કોંગ્રેસની મુશ્કેલી વધી, બેંક ખાતાઓ પર કાર્યવાહી સામે સ્ટેની માગ ઈન્કમ ટેક્સ ટ્રિબ્યૂનલે ફગાવી
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીને ઈન્કમ ટેક્સ ટ્રિબ્યુનલે મોટો ઝટકો આપ્યો છે. ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ કોંગ્રેસ પાર્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં ઈન્કમ ટેક્સ વિભાગને તેમના બેંક ખાતાઓને રિકવરી અને ફ્રીઝ કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે સંબંધિત 4 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા. ઇન્કમ ટેક્સ વિભાગે 210 કરોડની રિકવરી માંગી છે, એટલે કે કોંગ્રેસે આ રકમ પેનલ્ટીરૂપે ઈન્કમ ટેક્સ વિભાગને આપવી પડશે. તેની સામે કોંગ્રેસ પાર્ટીએ ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના દરવાજા ખખડાવ્યા હતા.
કોંગ્રેસ પાર્ટી તરફથી હાજર રહેલા એડવોકેટ વિવેક તંખાએ હુકમને 10 દિવસ માટે સ્થગિત રાખવાની વિનંતી કરી હતી. જેથી રાષ્ટ્રિય કોંગ્રેસ (INC) હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે. જો કે બેન્ચે એમ કહીંને આ માગને ફગાવી દીધી કે અમારી સામે એવી કોઈ જોગવાઈ નથી. તંખાએ દલીલ કરી હતી કે આઈટીના દાવાથી વિપરીત કોંગ્રેસ પાર્ટી ફંડ માટે મજબુર છે, કેમ કે તેને ચૂંટણી માટે ફંડની જરૂર છે. તેમણે કહ્યું કે જો પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં માત્ર 350 સીટો પર જ ઉમેદવારો ઊભા રાખે છે તો પણ તેને પ્રત્યેક ઉમેદવારના કુલ ખર્ચનો 50 ટકા તેણે ઉપાડવો પડશે. જે પાર્ટી માટે ખુબ જ મોંઘું સાબિત થશે. લોક પ્રતિનિધિત્વની કલમ 1951 મુજબ લોકસભા ચૂંટણીમાં એક ઉમેદવાર 95 લાખનો ખર્ચ કરી શકે છે.
આ કેસ વર્ષ 2018-19ના કોંગ્રેસ પાર્ટીના ઈન્કમ ટેક્સ રિટર્ન સંબંધિત છે, ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસને પેનલ્ટીરૂપે 210 કરોડની રિકવરી માગી છે. આ કાર્યવાહીના બે કારણ છે, તેનું કારણ છે કે વિભાગ દ્વારા નક્કી કરાયેલી 31 ડિસેમ્બર 2019ની તારીખથી 40-45 દિવસ લેટ સબમિટ કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત વર્ષ 2018-19 ચૂંટણી વર્ષ હતું, કોંગ્રેસે ચૂંટણીમાં 199 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, તેમાંથી 14 લાખ અને 40 હજાર રૂપિયા કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોએ તેમના પગારમાંથી જમા કરાવ્યા હતા, આ રકમ રોકડમાં જમા કરાવવામાં આવી હતી. આ જ કારણે ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસ પર 210 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે.