વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવાર જીતવા માટે ચપ્પલના મારનો પ્રસાદ ખાતા જોવા મળ્યા

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ભાજપ અને કૉંગ્રેસ પક્ષ બંને જણ અહીં સરકાર બનાવવા અને વધુમાં વધુ બેઠકો કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક ઉમેદવાર પણ પોતાની જીત માટે અવનવા ઉપાય કરવામાં કોઇ કસર નથી છોડી રહ્યો. હાલમાં એક વીડિયો વાઇરલ થયો છેો, જેમાં કૉંગ્રેસના ઉમેદવાર આ ચૂંટણીમાં જીત મેળવવા માટે બાબાના ચપ્પલોનો માર ખાતા જોવા મળી રહ્યા છે.
હવે તમને વિચાર આવશે કે ચપ્પલોનો માર ખાઇને કેવી રીતે જીતશે? તો તમારી જાણ માટે કે કૉંગ્રેસના આ ઉમેદવાર ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે સ્વેચ્છાએ અને ખુશીથી એક વૃદ્ધ વ્યક્તિની હાથે ચપ્પલોનો માર ખાઇ રહ્યા છે. આ વૃદ્ધ માણસને સ્થાનિક વિસ્તારમાં ગોડમેન તરીકે વ્યાપકપણે ગણવામાં આવે છે અને તે ખૂબ લોકપ્રિય છે. એમ કહેવાય છે કે આ વૃદ્ધ ફકીર જેવો દેખાતા બાબા જેને પણ ચપ્પલથી માર મારે છે એનો ચૂંટણીમાં વિજય થાય છે. આ બાબા પાસે પાસે “ઇચ્છાઓ પૂર્ણ કરવાની” શક્તિઓ હોવાનું માનવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કોંગ્રેસના ઉમેદવાર બાબાને નમન કરતા જોવા મળે છે, જ્યારે તે તેમને જમણે ગાલે, ડાબે ગાલે અને માથા પર ચપ્પલ વડે માર મારે છે. જોકે, ઉમેદવાર કોઈ પણ હોબાળો કર્યા વિના ખુશીથી “ચંપલનો માર ” પ્રસાદના રુપમાં લે છે અને બાબાના આશીર્વાદ અથવા “ચંપલની માર” માટે તેમનો આભાર પણ માને છે.
સામાન્યપણે જોઇએ તો આ નરી અંધશ્રદ્ધા કહેવાય, પણ સત્તા માટે લોકો કંઇ પણ કરવા તૈયાર હોય છે, પછી તેમને જાહેરમાં ચપ્પલોનો માર કેમ ના સહેવો પડે. બાય ધ વે આ ચપ્પલોનો માર ખાઇ રહેલા કોંગ્રેસના ઉમેદવારની ઓળખ પારસ સકલેચા તરીકે થઇ છે, જેઓ રતલામના મતવિસ્તારમાંથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠક માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.
ભાજપ રાજ્યમાં સત્તા જાળવી રાખવા માંગે છે જ્યાં તેણે છેલ્લા 20 વર્ષોમાં લગભગ 18 વર્ષોથી શાસન કર્યું છે. દરમિયાન, કોંગ્રેસ મધ્યપ્રદેશમાંથી શિવરાજ સિંહ ચૌહાણ સરકારને હટાવવા માટે ઉત્સુક છે.