કૉંગ્રેસ સત્તા પર આવશે તો અનામતની પચાસ ટકા મર્યાદા દૂર કરશે: રાહુલ ગાંધી
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો કૉંગ્રેસ સત્તા પર આવશે તો જાતિના આધારે વસતિગણતરી કરાવશે અને (જનતાનું) આર્થિક અન્વેષણ કરાવીને અનામતની પચાસ ટકા મર્યાદા દૂર કરશે.
તેમણે સોશિયલ મીડિયા `એક્સ’ પર હિંદીમાં લખેલી પૉસ્ટમાં જણાવ્યું હતું કે અમે દેશના લોકોને (સામાજિક) ન્યાય અપાવવાની દિશામાં પ્રથમ પગલું જાતિ પર આધારિત વસતિગણતરી અને આર્થિક અન્વેષણ રહેશે.
રાહુલ ગાંધીએ સવાલ કર્યા હતા કે આપણે દેશમાં કોને ગરીબ કહીએ છીએ? કેટલા લોકો ગરીબ છે અને તેઓની સ્થિતિ કેવી છે? શું ગરીબોની સંખ્યા ગણવી જરૂરી નથી લાગતી?
કૉંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે બિહારમાં જાતિ પર આધારિત વસતિગણતરી કરાઇ ત્યારે માલૂમ પડ્યું કે રાજ્યમાંના ગરીબ લોકોમાંના 88 ટકા લોકો દલિત, આદિવાસી, પછાત અને લઘુમતી કોમના જ છે. બિહારની ગરીબીનું આ ચિત્ર બહુ જ નાનો દાખલો પૂરો પાડે છે. આપણે તો આખા દેશમાંની ગરીબ લોકોની વસતિગણતરી કરવાની છે. આપણને દેશના ગરીબો કેવી સ્થિતિમાં રહે છે, તેની સાચી જાણકારી પણ નથી. અમે સત્તા પર આવીને બે ઐતિહાસિક પગલાં લઇશું. એક, જાતિ પર આધારિત વસતિગણતરી કરાવીશું અને બીજું, આર્થિક અન્વેષણ કરાશે. તેનાથી દેશમાં ગરીબ લોકોની વિગતવાર માહિતી મળશે.
કૉંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે ગરીબોની વસતિ અને તેઓની આર્થિક પરિસ્થિતિની સાચી જાણકારી મેળવ્યા બાદ તેઓ માટે યોગ્ય નીતિ અને યોજના ઘડાશે અને તેઓને શિક્ષણ, તબીબી સહાય વગેરે રાહત પૂરી પાડવામાં આવશે. (એજન્સી)